મોરબી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકારી ભવનો ઝળહળતી રોશનીથી ઝગમગી ઉઠ્યા

મોરબી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકારી ભવનો ઝળહળતી રોશનીથી ઝગમગી ઉઠ્યા
૦૦૦૦૦૦૦
માહિતી મોરબી: ૨૫ જાન્યુઆરી
૭૭મા રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આ વર્ષે મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર તપોભૂમિ ટંકારા ખાતે થનાર છે. આ ગરિમાપૂર્ણ રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ટંકારા સહિત સમગ્ર જિલ્લાની મુખ્ય સરકારી કચેરીઓ અને ભવનોને અદ્યતન રોશનીના શણગારથી સજ્જ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય પર્વના ઉત્સાહ અને ઉમંગને વધારવા માટે જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત ભવન, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી તેમજ ટંકારા સ્થિત વિવિધ સરકારી ઈમારતો પર આકર્ષક રોશની કરવામાં આવી છે. અંધકારને ચીરતી આ ઝળહળતી લાઈટો અને તિરંગાના ત્રણ રંગોમાં રંગાયેલા સરકારી ભવનો રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જી રહ્યા છે. રાત્રિના સમયે દૂધિયા પ્રકાશ પુંજથી ઝગમગતી આ ઈમારતો નગરજનો માટે રાષ્ટ્રપ્રેમનું પ્રતીક બની છે.
ટંકારામાં આયોજિત જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમ સ્થળ અને આસપાસના વિસ્તારોમાં પણ વિશેષ રોશની સાથે સુશોભન કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થયેલો આ રોશનીનો શણગાર મોરબી જિલ્લાના નાગરિકોમાં ગણતંત્ર દિવસ પ્રત્યેના આદર અને રાષ્ટ્રપ્રેમને અભિવ્યક્ત કરી રહ્યો છે. આવતીકાલે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમ પૂર્વે સમગ્ર મોરબી જિલ્લો લોકશાહીના આ મહાપર્વને વધાવવા માટે આતુર જોવા મળી રહ્યો છે.
*બળવંતસિંહ જાડેજા ૦૦૦૦૦૦*













