
નર્મદા જિલ્લાના ગરુડેશ્વરથી ગુમાનદેવ પગપાળા યાત્રાએ જતા પદયાત્રીઓનું સારસા ગામે સ્વાગત કરવામાં આવ્યું

સારસાના સદગૃહસ્થ ખુમાનભાઇ કપ્તાન દ્વારા દરવર્ષે આ પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વરથી ગુમાનદેવની પગપાળા યાત્રાએ નીકળેલ ૩૫ જેટલા પદયાત્રીઓનું ગામના સદગૃહસ્થ ખુમાનભાઇ કપ્તાન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામેથી દરવર્ષે શ્રાવણ મહિનાના શનિવારે ગુમાનદેવનો પગપાળા પ્રવાસ યોજવામાં આવે છે. શનિવારે ગુમાનદેવ મંદિરે પહોંચાય એ રીતના આયોજન સાથે આ પગપાળા યાત્રા યોજાતી હોય છે. દરવર્ષે સારસા ગામે ખુમાનભાઇ રેવાદાસભાઇ કપ્તાન દ્વારા આ પદયાત્રીઓનું સ્વાગત કરીને તેમને ચાનાસ્તાની સગવડ આપવામાં આવે છે. આજરોજ ગુમાનદેવ જવા આવેલ આ યાત્રીઓનું પણ દરવર્ષની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે ગરુડેશ્વર ગામેથી ઝઘડિયાના ગુમાનદેવ મંદિર ઉપરાંત અંબાજી જવા પણ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે.સારસા ગામેથી આજે સવારના દસ વાગ્યે વિદાય લઇને નીકળેલ ગરુડેશ્વરના આ પદયાત્રીઓ આજે ઝઘડિયા ખાતે રાતવાસો કરશે અને વહેલી સવારે ગુમાનદેવ મંદિરે જવા નીકળશે.
ઈરફાન ખત્રી
રાજપારડી




