ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ, OBC અનામત અમલીકરણ અંગે સમીક્ષા બેઠક

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : રાજ્યમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે અનામત સુરક્ષિત કરવા માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરવા રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. આ સંદર્ભે આયોગના અધ્યક્ષ હંસરાજ આહીરના અધ્યક્ષસ્થાને અમદાવાદ એનેક્ષી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં આયોગના સભ્ય ભુવન કમલ, મુખ્ય સચિવ પંકજ જોશી, આયોગના સચિવ મીતા રાજીવલોચન તેમજ રાજ્ય સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગુજરાતમાં OBCમાં સમાવિષ્ટ 146 જાતિઓને મળતા લાભો, 27 ટકા અનામતની અમલવારી, રોસ્ટર રજીસ્ટરની નિભાવણી, જાતિ પ્રમાણપત્ર તથા નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટની પ્રક્રિયા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.
આયોગે ખાસ ભાર મૂક્યો કે પછાત વર્ગો માટે અમલમાં મુકાયેલી શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસની યોજનાઓનો લાભ છેવાડાના હકીકતી લાભાર્થીઓ સુધી પહોંચે તે રાજ્ય સરકાર સુનિશ્ચિત કરે. આયોગે ગુજરાતમાં ચાલી રહેલી કલ્યાણકારી યોજનાઓની સરાહના પણ કરી હતી.
આ ઉપરાંત આઈઆઈટી ગાંધીનગર તથા બેન્ક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આ સંસ્થાઓમાં અનામત નીતિનો ચુસ્ત અમલ કરવા અંગે ચર્ચા થઈ હતી. આયોગે સ્પષ્ટ કર્યું કે જાહેર તેમજ ખાનગી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં OBC માટેની અનામત વ્યવસ્થા વિના વિલંબે લાગુ થવી જોઈએ.
બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ, પોલીસ વિભાગના આઈજીપી ગગનદીપ ગંભીર, અમદાવાદના કલેક્ટર સુજિત કુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ નિયમિત અંતરે વિવિધ રાજ્યોની મુલાકાત લઈને અનામત નીતિના અમલીકરણની સમીક્ષા કરે છે. ગુજરાત પ્રવાસ દરમિયાન આયોગે રાજ્ય સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી હોવા છતાં અનામત નીતિ દરેક સ્તરે અસરકારક રીતે લાગુ થાય તે માટે સતત પ્રયત્નો ચાલુ રાખવા સૂચના આપી હતી.











