અંકલેશ્વર-હાંસોટમાં મેઘમહેર:વહેલી સવારે વીજળીના કડાકા સાથે વરસાદ, ખેડૂતોમાં ચિંતા; બે કલાકમાં અંકલેશ્વરમાં 2, હાંસોટમાં એક ઇંચ વરસાદ નોંધાયો


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં નૈઋત્ય ચોમાસાની શરૂઆત પહેલાં જ વરસાદી માહોલ સર્જાયો છે. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન થયું. વીજળીના કડાકા-ભડાકા સાથે છૂટાછવાયો વરસાદ નોંધાયો છે.
સવારના 6થી 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં અંકલેશ્વરમાં 2 અને હાંસોટમાં એક ઇંચ વરસાદ નોંધાયો. દીવા રોડ અને પીરામણ ગામની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા.
અંકલેશ્વર શહેર, જીઆઈડીસી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આવેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા થી ભારે વરસાદની આગાહી કરી છે. સિઝનમાં બીજી વખત થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ઉનાળુ ડાંગરની ખેતી કરતા ખેડૂતોને માવઠાથી નુકસાન થવાની દહેશત સતાવી રહી છે.



