MORBI મોરબીના પીપળી ગામે દેશી દારૂના અડ્ડાઓ ઉપર રોષે ભરાયેલી જનતાએ કરી ‘રેડ’

MORBI મોરબીના પીપળી ગામે દેશી દારૂના અડ્ડાઓ ઉપર રોષે ભરાયેલી જનતાએ કરી ‘રેડ’
સવારે રેન્જ IG કામગીરી વખાણતા હતા, સાંજે જનતાએ પોલ ખોલી નાખી: અનેક રજૂઆતો છતાં દેશી દારૂના હાટડા બંધ કરાવવામાં પોલીસ સદંતર નિષ્ફળ
ઔદ્યોગિક નગરી મોરબીમાં પોલીસની કામગીરી માત્ર કાગળ પર જ ‘ચકાચક’ હોય તેવું જણાઈ રહ્યું છે. એકબાજુ આજે સવારે જ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા વાર્ષિક નિરીક્ષણ દરમિયાન પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી, ત્યાં બીજીબાજુ સાંજ પડતાની સાથે જ જનતાએ મેદાને ઉતરીને પોલીસની પોલ ખોલી નાખી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પીપળી ગામે આજે જાગૃત નાગરિકોએ જાતે ‘જનતા રેડ’ કરીને બુટલેગરો અને પોલીસની મિલીભગતનો પર્દાફાશ કર્યો છે.
પોલીસ ઉંઘતી રહી, જનતા જાગી ગઈ! પીપળી ગામમાં લાંબા સમયથી દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિકો દ્વારા અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી, સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયા, તેમ છતાં ‘ખાખી’ની ઊંઘ ઉડી ન હતી. અંતે, પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા ગ્રામજનોએ જાતે કાયદો હાથમાં લેવો પડ્યો હતો અને દેશી દારૂના વેચાણ કરતા બુટલેગરો પર ત્રાટકીને જનતા રેડ કરી હતી.સવારના વખાણ સાંજ સુધી ન ટક્યા આજની ઘટનાએ પોલીસ બેડામાં ભારે નાલેશી સર્જી છે. સવારે જ્યારે ઉચ્ચ અધિકારીઓ ગુનાખોરી ડામવા અને કાયદો-વ્યવસ્થાની જાળવણીના મોટા-મોટા બણગાં ફૂંકતા હતા, ત્યારે પીપળીમાં લોકોના રોષે સાબિત કરી દીધું કે ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ કંઈક અલગ જ છે. શું આ દારૂના અડ્ડાઓ પોલીસની રહેમનજર હેઠળ ચાલી રહ્યા છે? એ સવાલ હવે સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.વાહ રે તાલુકા પોલીસની કામગીરી! પોલીસ સ્ટેશનથી હાકલના અંતરે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસની નજર ન જાય તે વાત કોઈના ગળે ઉતરે તેમ નથી. જે કામ પોલીસે કરવાનું હતું તે કામ આજે લાચાર જનતાએ કરવું પડ્યું છે. જનતા રેડ બાદ હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારના જવાબદાર પોલીસ કર્મીઓ સામે કોઈ પગલાં ભરે છે તે હવે જોવાનું રહ્યું







