MORBI: મોરબીના જેતપરમાં ઈસુદાન ગઢવી અને હેમંત ખવાએ સરકાર અને વીજ કંપનીઓ પર કર્યા આકરા પ્રહારો







MORBI: મોરબીના જેતપરમાં ઈસુદાન ગઢવી અને હેમંત ખવાએ સરકાર અને વીજ કંપનીઓ પર કર્યા આકરા પ્રહારો


ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા આજે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય હેમંત ખવા જેતપરની મુલાકાતે

મેં ચૂંટણી પહેલા જ કહ્યું હતું કે ચૂંટણી પત્યા પછી ખેતરમાં થાંભલાનું કામ ચાલુ થશે: ઈસુદાન ગઢવી
ખેડૂતના ખેતરમાં થાંભલા નાખીને કંપનીઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, નેતાઓ અને એમની પાર્ટીઓ કમાય છે, ખેડૂત નહિ: ઈસુદાન ગઢવી
ખેડૂતોને લમસમ નહીં પરંતુ દર મહિને 8-10 ટકા પ્રોફિટનો હિસ્સો આપી દો: ઈસુદાન ગઢવી
કલેક્ટર અને આઇજીને વિનંતી કે જ્યાં સુધી ખેડૂતની માંગ પ્રમાણે વળતર ન ચૂકવાય ત્યાં સુધી ખેતરમાં કોઈ ઘૂસે નહીં: ઈસુદાન ગઢવી
અદાણી તેના એરપોર્ટ પર એક કલાકના ભાડાના પૈસા લે છે પરંતુ અહીંયા ખેતર પર કબજો કરે છે પરંતુ તેનું ભાડું આપવા તે તૈયાર નથી: ઈસુદાન ગઢવી
સ્ટેટ લેવલની કમિટી બનાવો, 25 વર્ષની કિંમત અને કંપનીના પ્રોફિટ પ્રમાણે યોગ્ય વળતર ચૂકવો અથવા ખેડૂતોને પ્રોફિટમાં ભાગીદારી આપો: ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટી ટ્રેક્ટર રેલીમાં મજબૂતાઈથી જોડાશે: ઈસુદાન ગઢવી ખેડૂતોને જ્યાં જરૂર પડશે ત્યાં AAPના લાખો કાર્યકર્તાઓ તેમની સાથે ઊભા થઈ જશે: ઈસુદાન ગઢવી
કંપનીને ફાયદો કરાવવા માટે ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી લાઈનો નાખવામાં આવી રહી છે: હેમંત ખવા જેતપુર ગામ ફક્ત એક ગામની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની લડાઈ લડી રહ્યું છે: હેમંત ખવા
એક-એક ગામમાં આંદોલન કરવા કરતાં કાયદો બદલવા માટે આખા ગુજરાતમાંથી એક મજબૂત આંદોલન ઊભું થાય એ જરૂરી છે: હેમંત ખવા
મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા જેતપર ઉપવાસ છાવણી ખાતે ખેડૂતોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ તકે મીડિયા સાથે વાત કરતાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ખેડૂતો પોતાના હકો માટે લડી રહ્યા છે, પરંતુ તેમના પર પોલીસ દ્વારા જે પ્રકારના અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તે અત્યંત નિંદનીય છે. ખેડૂતોની જમીન પર કબજો કરવા માટે કેટલીક કંપનીઓ સરકાર, ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો દુરુપયોગ કરી રહી છે. ખેડૂતોની જમીનો પર બળજબરીપૂર્વક કામગીરી કરીને તેમની છાતી ચીરી નાખવામાં આવી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમણે જણાવ્યું હતું કે એક તરફ મોટા ઉદ્યોગપતિઓ એરપોર્ટ પર વાહન પાર્કિંગ માટે પ્રતિ કલાક ચૂકવી શકે છે, પરંતુ બીજી તરફ ખેડૂતોની વિશાળ જમીનો પર કબજો કરવા છતાં યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી. અમારી માંગ છે કે ખેડૂતોને પૂરતું અને યોગ્ય વળતર આપવામાં આવે. ગુજરાતભરમાં જમીનની કિંમતો આજે રૂ. 30 થી 40 લાખ પ્રતિ એકર સુધી પહોંચી છે અને આગામી 25 વર્ષમાં તેની કિંમત કરોડોમાં પહોંચવાની છે. તેથી રાજ્ય સ્તરની કમિટી બનાવી ભવિષ્યની કિંમત અને કંપનીઓના નફાને ધ્યાનમાં રાખીને વળતર નક્કી કરવું જોઈએ અથવા અસરગ્રસ્ત ખેડૂતોને કંપનીના નફામાંથી ટકાવારી આપવામાં આવવી જોઈએ. જો સરકાર આ ન કરી શકે તો ખેડૂતોની મુખ્ય માંગ મુજબ યોગ્ય વળતર તાત્કાલિક આપવું જોઈએ. ત્યાં સુધી કલેક્ટર, એસપી અને આઈજીને અમારી વિનંતી છે કે કોઈપણ ખેડૂતના ખેતરમાં બળજબરીપૂર્વક પ્રવેશ ન કરવામાં આવે અને મહિલાઓ સાથે થતી હેરાનગતિ પણ તાત્કાલિક બંધ કરવામાં આવે. તેમણે જણાવ્યું કે પંકજભાઈ રાણસરિયા અને તેમની ટીમ છેલ્લા સાત દિવસથી ખેડૂતોની વચ્ચે રહીને તેમની લડતમાં જોડાયેલા છે.
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં જ્યાં ખેડૂતોને જરૂર પડશે ત્યાં આમ આદમી પાર્ટી તેમની સાથે મજબૂતીથી ઊભી રહેશે. આગામી ટ્રેક્ટર રેલી ખેડૂતોની રેલી છે, કોઈ રાજકીય પક્ષની નથી, છતાં ખેડૂતોના હકોની લડતમાં આમ આદમી પાર્ટી સંપૂર્ણ સહયોગ આપશે અને પાર્ટીની ટીમ પણ આ રેલીમાં જોડાશે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ દરેક પ્રશ્ને આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે. મેં મુખ્યમંત્રીને પત્ર લખીને સમગ્ર ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા કરવાની માંગ કરી છે. દુર્ભાગ્યે કેટલીક કંપનીઓ અને સરકાર મળીને ખેડૂતોના આંદોલનોને તોડવાનો પ્રયાસ કરે છે, ક્યારેક ફરજી કેસો કરીને તો ક્યારેક થોડા લોકોને વધુ વળતર આપીને ખેડૂતોમાં ભાગલા પાડવાનો પ્રયત્ન થાય છે. તેથી રાજ્ય સ્તરે વિશેષ કમિટી બનાવી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાયસંગત વળતર આપવું જોઈએ. જો કંપનીઓ આજે પ્રતિ યુનિટ રૂ. 8ના દરે આવક મેળવી રહી છે તો આગામી 25થી 30 વર્ષમાં તે આવક અનેકગણી વધવાની છે અને કંપનીઓ કરોડો રૂપિયાનો નફો કમાવાની છે. આવા સંજોગોમાં અસરગ્રસ્ત ખેડૂતોને એક વખતનું વળતર આપવાને બદલે કંપનીના નફામાંથી દર મહિને ટકાવારી પ્રમાણે હિસ્સો આપવામાં આવે તેવી પણ અમારી માંગ છે.
આ તકે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે અત્યારે ખેડૂતોને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવી જ પ્રક્રિયા અમારા વિસ્તારોમાં પણ શરૂ થઈ ગઈ છે અને આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં એક પછી એક આ પ્રકારની કાર્યવાહી થવાની છે. ત્યારે જેતપરના ખેડૂતો એક થઈને જે લડાઈ લડી રહ્યા છે તે માત્ર જેતપરના ખેડૂતોની લડાઈ નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોની લડાઈ છે. તેમણે જણાવ્યું હતું કે દરેક ગામમાં ખેડૂતોને અલગ-અલગ લડાઈ લડવી પડે તેના બદલે કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકાર સમક્ષ કાયદામાં સુધારા કરવા અને ખેડૂતોના હિતમાં નવો કાયદો લાવવા માટે રજૂઆત કરી છે. અનેક સરકારો આવી અને ગઈ, અનેક કાયદાઓમાં સુધારા અને ફેરફારો થયા, પરંતુ અંગ્રેજોના જમાનાનો 1885નો કાયદો આજે પણ બદલવામાં આવ્યો નથી. હવે સમય આવી ગયો છે કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવે. આગામી સમયમાં જે રીતે વીજ લાઈનો અને અન્ય વિકાસ કાર્યો માટે જમીન સંપાદનની પ્રક્રિયાઓ વધી રહી છે તેને જોતા ખેડૂતોના હિતોનું રક્ષણ થાય તેવો કાયદો બનાવવાની જરૂર છે. જો આવું નહીં થાય તો આવા પ્રશ્નો દિવસેને દિવસે વધતા જશે અને ગુજરાતના દરેક ખેડૂતને તેનો સામનો કરવો પડશે. તેથી સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે મજબૂત આંદોલન ઊભું થાય અને તેમાં જેતપર ગામ આગેવાનીભરી ભૂમિકા ભજવે તેવી વિનંતી કરતાં તેમણે જણાવ્યું હતું કે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. દેશને આઝાદી મળ્યાને લગભગ 79 વર્ષ થઈ ગયા હોવા છતાં અંગ્રેજોના જમાનાનો 1885નો કાયદો હજુ સુધી બદલાઈ શક્યો નથી, તેથી આ કાયદો વહેલી તકે બદલાય તે માટે સૌએ પ્રયાસો કરવા જોઈએ. આજે ખેડૂતોને ન્યાય અપાવવા, તેમના હકોનું રક્ષણ કરવા અને યોગ્ય વળતર સુનિશ્ચિત કરવા માટે આ કાયદામાં સુધારા કરાવવા લડત આપવાની જરૂર છે. આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે.





