
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વિસનગર
વિસનગર તાલુકાની વાલમ ક્લસ્ટરની વાલમપરા પ્રાથમિક શાળામાં રોકેટરી મેન પ્રથમ આર.આંબળા સરના કાર્યક્રમનું આયોજન વ્યવસાયિક શિક્ષણ અંતર્ગત કરવામાં આવ્યું. મોડલ રોકેટ્રીના સ્થાપક પ્રથમ આંબળા પાંચસોથી વધુ પ્રકારના પેપર પ્લેન ડિઝાઇન કરી શકે છે. તેઓ માને છે કે પેપર પ્લેનના કારણે રોકેટના ભૌતિક વિજ્ઞાનને સરળતાથી સમજવામાં મદદ મળે છે. બાળકો આ કાર્યક્રમથી ગુરુત્વાકર્ષણ બળનો નિયમ એરોડાયનેમિક થીયેરી અને પોતાનાના દ્વારા કંઈક નવું સર્જન કરવાનો આનંદ મેળવવાની સાથે સાથે રોકેટ વિજ્ઞાન શીખે છે.
પ્રથમ સરનું મુખ્ય શિક્ષણકાર્ય મોડલ રોકેટરી છે. તેમણે બાળકોને ફાઈટર, ગ્લાઈડર તેમજ મુકુટ આકારમાં પ્લેન બનાવતા શીખવ્યા. બાળકોને સ્પેસ એજ્યુકેશન આપીને રોકેટના વિવિધ ભાગોની સમજ આપી. બાળકો સમક્ષ જુદા જુદા ભાગો માપથી કટિંગ કરી ગોઠવીને રોકેટનું મોડલ તૈયાર કર્યું.
બાળકોના ભારતમાતાની જય નારા સાથે રોકેટ મોડલનું લોન્ચિંગ શાળાની ભૂમિ પરથી કરવામાં આવ્યું. વર્લ્ડ સ્પેસ મોડલિંગ ચેમ્પિયનશિપમાં ભારતમાંથી સૌ પ્રથમ ભાગ લેનાર પ્રથમ આંબળા હતાં. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ માં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓએ મોડેલ રોકેટ્રી કાર્યક્રમ સાથે અવકાશની વિશિષ્ટ સ્થિતિ રાત્રે 7:30 કલાકે ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શન શાળાના બાળકોને અને ગામના વાલીઓને ગુરુનો ગ્રહ તેમજ ઉપગ્રહો બતાવીને કરાવ્યું હતું. રોકેટરી મેન પ્રથમ આર. આંબળાં સર નો શાળા પરિવાર તેમજ ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો.




