MORBI:ગુજરાતની આર્થિક સમૃદ્ધિમાં ઔદ્યોગિક વિકાસનું મોડલ મોરબી; સરકારે મોરબીના ઉદ્યોગોને ૨ વર્ષમાં રૂ. ૪૬૦ કરોડથી વધુની સહાય ચૂકવી

MORBI:ગુજરાતની આર્થિક સમૃદ્ધિમાં ઔદ્યોગિક વિકાસનું મોડલ મોરબી; સરકારે મોરબીના ઉદ્યોગોને ૨ વર્ષમાં રૂ. ૪૬૦ કરોડથી વધુની સહાય ચૂકવી
મોરબી એટલે સિરામિક ઉદ્યોગનું હબ; ઘડિયાળ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, પેપરમિલ-પેકેજીંગ સહિત મહત્વના ઉદ્યોગો પણ મોરબીમાં વિકાસ પામ્યા
ગુજરાત સહિત દેશના ૦૮ લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ/પરોક્ષ રોજગારી આપે છે મોરબી
મોરબીનું સિરામિક ક્લસ્ટર સિરામિક પેદાશોના ઉત્પાદનમાં વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું ક્લસ્ટર
સિરામિક ઉત્પાદનોની દેશની કુલ નિકાસમાં મોરબીનો નોંધપાત્ર ૮૦ ટકા હિસ્સો, ગુજરાતના સિરામિક ઉત્પાદનમાં ૯૦ ટકા યોગદાન
મોરબીના સિરામિક ઉત્પાદનોની યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, જર્મની, ઓમાન, શ્રીલંકા ઇજિપ્ત, યુકે તથા જાપાન સહિતના દેશોમાં વિશેષ માંગ
ઘડિયાળ ઉદ્યોગમાંથી અંદાજિત ૧૦ થી ૧૨ હજાર લોકો રોજગારી મેળવે છે જેમાં ૬૦% જેટલી મહિલાઓ રોજગારી મેળવે છે
ગુજરાતમાં મીઠાના ઉત્પાદનમાં કચ્છ જિલ્લા બાદ મોરબી બીજો નંબર ધરાવે છે
મોરબીમાં યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગતના કાર્યક્રમમાં ૫૦ કંપનીઓ વચ્ચે રૂ.૨૪૭૦ કરોડનાં એમ.ઓ.યુ. થયા
વિકાસના માર્ગે ગુજરાતે હરણ ફાળ ભરીને દેશના અન્ય રાજ્ય માટે વિકાસ મોડલ બન્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતે અનન્ય પ્રગતિ સાથે દુનિયાને અચંબિત કરી છે, ત્યારે ગુજરાતના વિકાસમાં અહીંના સ્થાનિક અને પ્રાદેશિક ઔદ્યોગિક એકમોએ આ વિકાસની ગતિમાં પ્રેરકબળ બનવાનું કામ કર્યું છે. ઔદ્યોગિક હબ ગણાતા મોરબી જિલ્લાએ ગુજરાતને વિશ્વસ્તરે નામાંકિત કર્યું છે. સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ ક્ષેત્રે સાધેલા અનન્ય વિકાસ થકી વિકાસનું મોડલ બન્યું છે મોરબી. અહીંના ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા ગત ૨ વર્ષમાં ૧૨૦૦ થી વધુ ઔદ્યોગિક એકમોને રૂ. ૪૬૦ કરોડથી વધુની નાણાકીય સહાય પૂરી પાડી છે. ગુજરાત વાયબ્રન્ટ સમિટ અને આ વર્ષે સરકારે લીધેલા રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સના માધ્યમથી ઔદ્યોગિક વિકાસની ગતિ વધુ તેજ બની રહી છે, ત્યારે આ કાર્યક્રમનાં ભાગરૂપે મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં ૫૦ કંપનીઓ વચ્ચે રૂ.૨૪૭૦ કરોડનાં એમ.ઓ.યુ. થયા હતા.
‘નળિયા, તળિયા અને ઘડિયાળ’ની ઓળખ બનેલું મોરબી ‘સિરામિક સિટી’ તરીકે પ્રખ્યાત છે. ‘સિરામિકના વૈશ્વિક હબ’ તરીકે જાણીતા મોરબીનું સિરામિક ક્લસ્ટર સિરામિક પેદાશોના ઉત્પાદનમાં વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું ક્લસ્ટર છે. ગુજરાતના સિરામિક ઉત્પાદનમાં ૯૦ ટકા હિસ્સો તો ફક્ત મોરબીનો જ છે. સિરામિક ઉત્પાદનોની દેશની કુલ નિકાસમાં પણ નોંધપાત્ર ૮૦ ટકા હિસ્સો મોરબી પૂરો પાડે છે.
મોરબીમાં સિરામિક ઉદ્યોગની ૧૨૦૦ થી વધુ ફેક્ટરી આવેલી છે, જેનું વાર્ષિક ટન ઓવર અંદાજિત રૂ. ૬૦,૦૦૦ કરોડ અને વાર્ષિક નિકાસ રૂ. ૧૨૦૦૦ કરોડની છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં અંદાજતિ રૂ. ૧૨૦૦૦ કરોડ, વર્ષ ૨૦૨૪-૨૫ માં અંદાજિત રૂ. ૧૨૦૦૦ કરોડ તથા ચાલુ વર્ષે હાલની સ્થિતિએ રૂ. ૧૦૦૦૦ કરોડની નિકાસ નોંધાયેલી છે. મોરબીના સિરામિક ઉત્પાદનોની યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, જર્મની, ઓમાન, શ્રીલંકા, ઇજિપ્ત, યુકે તથા જાપાન સહિતના દેશોમાં વિશેષ માંગ રહેલી છે.
રોજગારીના સર્જન માટે મોરબીના ઉદ્યોગો સવિશેષ મહત્વ ધરાવે છે. જ્યાં દેશના અનેક રાજ્યોમાંથી યુવાઓ રોજગારી માટે મોરબી આવે છે. મોરબીના સિરામિક ઉદ્યોગોમાં અંદાજિત ૩.૫ લાખ લોકો સીધી રોજગારી મેળવી રહ્યા છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ, પેકેજીંગ, લેમીનેટ્સ, માર્કેટિંગ, રો-મટીરીયલ અને લોજિસ્ટિક સહિતના ઉદ્યોગો સિરામિક ઉદ્યોગના વિકાસની સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હોવાથી તેમનો વિકાસ થયો છે અને આ ઉદ્યોગોમાં પ્રત્યક્ષ/પરોક્ષ રીતે અંદાજિત ૫ લાખ લોકો રોજગારી મેળવે છે.
ઘડિયાળ ઉદ્યોગ સાથે મોરબી દાયકાઓથી સંકળાયેલો છે. આજે મોરબીમાં અંદાજિત ૧૫૦ થી ૨૦૦ દિવાલ ઘડિયાળ બનાવતા એકમો આવેલા છે. મહિલાઓની રોજગારીની દ્રષ્ટિએ ઘડિયાળ ઉદ્યોગ વિશેષ મહત્વ ધરાવે છે. અંદાજિત ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ લોકો આ ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે જેમાં ૬૦% જેટલી મહિલાઓ રોજગારી મેળવી રહી છે.
મોરબી ભૌગોલિક વિવિધતા ધરાવે છે અહીં રણ અને દરિયાઈ વિસ્તાર પણ આવેલો છે જેથી મીઠાના ઉદ્યોગો પણ અહીં વિશેષ પ્રમાણમાં વિકાસ પામ્યા છે. ગુજરાતમાં મીઠાના ઉત્પાદનમાં કચ્છ જિલ્લા બાદ મોરબી બીજો નંબર ધરાવે છે. વાર્ષિક ૨૫ લાખ મેટ્રિકલ મીઠાના ઉત્પાદનની સાથે ૭ લાખ મેટ્રિક મીઠાનું તો એકલું મોરબી નિકાસ કરે છે.
સિરામિક ઉદ્યોગની સાથે મોરબીમાં વિસ્તરેલ ઉદ્યોગમાં પોલિપેક ઉદ્યોગ પણ મહત્વનું છે, જેના અંદાજિત ૧૫૦ જેટલા એકમો મોરબીમાં કાર્યરત છે. આ ઉદ્યોગ વાર્ષિક ૦૫ લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે રૂ. ૫૫૦૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે. રોજગારી માટે અંદાજિત ૧૫૦૦૦ થી ૨૦,૦૦૦ લોકો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.
પેકેજીંગની સાથે સીધા સંકળાયેલા પેપરમીલ ઉદ્યોગો મોરબીમાં કાર્યરત છે જિલ્લામાં ૫૦ થી વધુ એકમો રૂ. ૩,૦૦૦ થી રૂ. ૪,૦૦૦ કરોડનું મુડી રોકાણ ધરાવે છે અને ૬ થી ૮ હજાર લોકોને રોજગારી પૂરી પાડે છે.સમગ્ર રાજ્યની સાથે મોરબીના ઉદ્યોગોને વેગ આપવા સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઔદ્યોગિક વિકાસ એ જિલ્લા તેમજ રાજ્યના વિકાસની સાથે દેશના વિકાસ માટે એક મહત્વનું પાસું છે. કોઈપણ ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસની સાથે સ્થાનિક માળખાકીય સુવિધાઓ, સવલતો તેમજ રોજગારીમાં વધારો થાય છે, જે સરવાળે સર્વાંગીક વિકાસ તરફ દોરી જાય છે. મોરબીમાં સરકાર દ્વારા ઉદ્યોગોના વિકાસ માટે નાણાકીય સહાયની સાથે સમયાંતરે યોગ્ય માર્ગદર્શન સેમિનાર તેમજ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવે છે.











