Dhoraji: ધોરાજી તાલુકામાં ઉદકિયા-ગોળાધર માર્ગ પરનાં ગાબડાં પૂરાયાં
તા.૧૬/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં રાજ્ય તેમજ પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના વિવિધ માર્ગો પર વરસાદના કારણે પડેલા ગાબડાં-ખાડાને પુરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે અન્વયે ધોરાજી તાલુકામાં ઉદકિયા-ગોળાધર માર્ગ પર પડેલા ગાબડાંને પૂરીને રોડ સમથળ કરી દેવામાં આવ્યો હતો.
રાજ્યમાં વરસાદના લીધે તૂટેલા માર્ગોને સત્વરે રીપેર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળેલા નિર્દેશો મુજબ, રાજકોટ જિલ્લામાં કલેક્ટર ડૉ. ઓમપ્રકાશની સૂચના મુજબ, માર્ગોના મરામતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિવિધ માર્ગોને સમથળ કરવામાં આવી રહ્યા છે.
ધોરાજી તાલુકામાં ભારે વરસાદને પગલે ઉદકિયા-ગોળાધર માર્ગ પર ગાબડાં પડી ગયાં હતા. અમુક ગાબડાં માર્ગની ગોળાઈ પર હતા. આ માર્ગ આસપાસના ગ્રામજનો માટે મહત્ત્વનો છે. વાહનચાલકોની સુગમતા માટે આ ગાબડાનું તત્કાલ રીપેરિંગ હાથ ધરાયું હતું. જેમાં માર્ગ અને મકાન-પંચાયત હસ્તકના આ માર્ગના ગાબડાને વિવિધ સામગ્રીથી પૂરી દેવામાં આવ્યા હતા. આમ રસ્તાનું સમારકામ થઈ જવાથી વાહનચાલકોને રાહત પહોંચી છે.