Gondal: ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અભ્યાસ છોડી દેનાર ૧૪ દીકરીઓને શિક્ષણાધિકાર અપાવતી ગોંડલની આઈ.સી.ડી.એસ. શાખા

‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અભ્યાસ છોડી દેનાર ૧૪ દીકરીઓને શિક્ષણાધિકાર અપાવતી ગોંડલની આઈ.સી.ડી.એસ. શાખા
દીકરી ભણી ગણી આર્થિક ઉપાર્જન કરી પગભર થઈ શકે તે માટે શિક્ષણ જરૂરી: સી.ડી.પી.ઓ શ્રી સોનલબેન વાળા
Rajkot, Gondal: દીકરો દીકરી એક સમાન ત્યારે જ બને જયારે બંનેનો ઉછેર અને શિક્ષણ એક સમાન હોય. રાજ્યમાં દરેક દીકરી ભણે તે માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અભિયાન શરુ કરેલું, જેને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગળ વધારી દીકરીના શિક્ષણની જવાબદારી સુપેરે નિભાવી રહયા છે.
રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આંગણવાડીમાં આવતા બાળકો નિરંતર શિક્ષણ મેળવે તે માટે સતત માર્ગદર્શન આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે. બાળકી શિક્ષણ મેળવે તે માટે જરૂરી પ્રોત્સહન પૂરું પાડી દીકરીને ભણતરનો અધિકાર પૂરો પાડી સમર્થ સમાજની નેમ સાથે બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી સતત કામગીરી કરી રહી છે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શનમાં બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા જે દીકરીઓના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે અભ્યાસ અધવચ્ચે છોડી દીધેલો હોય તેવી દીકરીઓ માટે ખાસ કાઉન્સેલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
આવી બાળકીઓના પરિવારજનોની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત કરવા માટે ગોંડલ ઘટક – ૧ ના સી.ડી.પી.ઓ શ્રી સોનલબેન વાળા, મુખ્ય સેવિકા પીન્ટુબેન દવે, નયનાબેન મહેતા, વર્ષાબેન ભટ્ટ, નયનાબેન સિંહાર, મુકતાબેન, ધવલભાઈ પરમાર તેમજ આંગણવાડી કાર્યકર બહેનો અને સ્ટાફ દ્વારા અધવચ્ચે શાળા છોડી દેનાર દીકરીઓના વાલી સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં દીકરી ભણશે તો તેઓ પગભર થઈ શકશે તે સમજણ પૂરી પાડી દીકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરેલ છે.
આ અંગે વધુમાં જણાવતા સોનલબેન કહે છે કે, પૂર્ણા દિવસ નિમિત્તે કિશોરી આવે ત્યારે જો તેઓ આગળ અભ્યાસ ન કરતા હોય તો તેઓની ભણવાની ઈચ્છા છે કે નહીં તે જાણવામાં આવે છે. આગળ ભણવું હોય તો ભણતર અધુરૂં મુકવાના કારણો જાણી તેઓને જરૂરી મદદ કરવામાં આવે છે. જેમાં ખાનગી સ્કૂલમાંથી લિવિંગ સર્ટી કાઢવા, સરકારી શાળામાં પ્રવેશ, બૂક્સ તેમજ અન્ય જરૂરી સાધન સુવિધા આપવી, માતા પિતાને સમજાવવું વગેરે બાબતે અમારી ટીમ તેઓને મદદરૂપ બનતી હોવાનું શ્રી સોનલબેન જણાવે છે.
આ કાર્યમાં આઇ.સી.ડી.એસ સ્ટાફ, આંગણવાડી વર્કર, મોંઘીબા હાઈસ્કૂલના પ્રિન્સીપાલ અને બી.આર.સી. ની મહેનત રંગ લાવી. તેઓએ ધોરણ ૮ પહેલા જ અભ્યાસ છોડી દીધેલી દીકરીઓના પરિવારજનોને શિક્ષણનું મહત્વ સમજવી બાળકીઓ ભણી ગણી આગળ વધે,પરિવાર અને સમાજનું નામ રોશન કરે તે માટે તમામ મદદની ખાત્રી પુરી પાડી. તેમની મહેનત રંગ લાવી ને ૧૪ જેટલી દીકરીઓના માતાપિતા દીકરીઓને ભણાવવા રાજી થતા આ બાળકીઓને પુનઃ શિક્ષણ પ્રાપ્ત થશે.
રાજકોટ જિલ્લામાં શાળા છોડી જનાર દીકરીઓ માટે પુનઃ પ્રવેશ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે વધુને વધુ દીકરીઓ શિક્ષણાધિકાર મેળવે તે દિશામાં કરવામાં આવતી નક્કર કામગીરી રાજ્યમાં દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરી શકશે





