GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ખાતેથી ગુજરાતના તમામ જિલ્લાધિકારીઓ સાથે ઘઉંની ટેકાના ભાવની ખરીદી અંગે વર્ચ્યુઅલ બેઠક યોજતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા

તા.૨૪/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

કેન્દ્ર પર ખરીદી, ખેડૂતો માટે વ્યવસ્થાઓની તૈયારીઓ અંગે કરી સમીક્ષા

Rajkot: ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ રાજકોટની કલેકટર કચેરી ખાતેથી ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ઘઉંની ટેકાના ભાવની ખરીદી અંગેની તૈયારીઓ વિશે સમીક્ષા કરી હતી.

મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંદાજે ૪૨ લાખ મેટ્રિક ટન ઘઉં ઉત્પાદન થવાની સંભાવના છે,જેમાંથી ૧૨ લાખ મેટ્રિક ટન ગુજરાતની જનતાને રાશન માટે જરૂર પડે છે ત્યારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરી કેન્દ્ર સરકાર સમગ્ર રાષ્ટ્રના ૮૦ કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને નિ:શુલ્ક રાશન વિતરણ દ્રારા ઘઉં પહોંચાડશે. આ માટે મંત્રીશ્રીએ ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓને વધુને વધુ ખેડૂતો ઘઉંના વેચાણ અર્થે નોંધણી કરાવે તે માટે તકેદારી લેવા જણાવ્યું હતું. સાથે જ ખેડૂતો સરળતાથી નોંધણી કરાવી શકે, પોતાની જણસી નજીકના કેન્દ્ર પર વેચવા માટે જઈ શકે અને જો તેમને નોંધણી સમયે દસ્તાવેજને લગત કોઈ પ્રશ્ન થાય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવી તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવા મંત્રીશ્રીએ અધિકારીઓને તાકીદ કરી હતી.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગરમીના કારણે જો ઘઉંનું સંકોચન થાય અને તેની ગુણવત્તામાં કંઈ ફેરફાર થાય તો ગુણવત્તા અંગેના સુધારા સાથે પણ કેન્દ્ર સરકાર માર્ગદર્શિકા બહાર પાડી ઘઉંની ટેકાના ભાવની ખરીદી ચાલુ રાખશે તેમજ કોઈપણ જિલ્લા ખાતે ખેડૂતોને ઘઉંના વેચાણ અર્થે વધુ દૂરના કેન્દ્ર પર આવવું પડતું હોય તો તેમની નજીકના નવા કેન્દ્રો શરૂ કરવા માટે પણ મંત્રીશ્રીએ જિલ્લાધિકારીઓને જણાવ્યું હતું.

અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદ પ્રક્રિયા સુચારૂરૂપે થાય તે માટે તમામ જિલ્લામાં જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાએ સમિતિઓ બનાવવામાં આવી છે. તમામ ખરીદ કેન્દ્રો પર ખરીદ અધિકારી, ગુણવત્તાની ચકાસણી માટે ગ્રેડરની નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્રો પર વજન કાંટા, ગ્રેડિંગ બુક, ભેજમાપક યંત્ર, ગુણવત્તા ચકાસણી અંગેની કીટસ, ડનેજ શીટ, બાયોમેટ્રિક ડિવાઇસ, જણસીને સંગ્રહિત કરવા બારદાન, મજૂરોની વ્યવસ્થાઓ, ખેડૂતો માટે છાંયડા, બેઠક તથા પાણીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીશ્રી બાંભણિયાએ રાજકોટ જિલ્લાના પડધરી ખાતેથી આજરોજ ઘઉંની ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે જ ૨૫૦ ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ ૨૧૮ ખરીદ કેન્દ્રો પર ઘઉંની ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાંથી ૧૯૩ જિલ્લા પુરવઠા ગોડાઉન ખરીદ કેન્દ્રો તેમજ ૨૫ એ.પી.એમ.સી.ખરીદ કેન્દ્રો ખાતે ઘઉંની ટેકાના ભાવની ખરીદીની કામગીરી આગામી તા.૩૧ મે ૨૦૨૫ સુધી કરવામાં આવશે.

આ બેઠકમાં કેન્દ્રીય પુરવઠા વિભાગના જોઈન્ટ સેક્રેટરી શ્રી સી.શિખા, સેક્રેટરી શ્રી જાગૃતિ, ગુજરાત સરકારના સેક્રેટરી શ્રી આર. મીણા, અન્ન નાગરિક પુરવઠા નિગમના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મયુર મહેતા, કલેકટર શ્રી પ્રભવ જોશી,અધિક નિવાસી કલેકટર શ્રી એ.કે.ગૌતમ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રી વંગવાણી, શ્રી દેવેન ગોહિલ તથા અન્ય જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!