MORBI:મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિનના વિરપરમાં યોજાયેલ કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા

MORBI:મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિનના વિરપરમાં યોજાયેલ કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા
“એક સારો શિક્ષક એક શ્રેષ્ઠ નાગરીક, સમાજ અને દેશનું નિર્માણ કરે છે, માં બાપ બાદ જીવનમાં શિક્ષકની ભૂમિકા અગત્યની છે”- જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવોના હસ્તે ૮ શ્રેષ્ઠ શિક્ષકો અને ૨૫ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું બહુમાન કરી શિક્ષક દિનની ઉજવણી કરાઈ
ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા કલેકટર શ્રી કે.બી. ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિ
મોરબીમાં જિલ્લા/તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નવયુગ સ્કુલ વિરપર ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
દર વર્ષે ૦૫ સપ્ટેમ્બરના રોજ ભારતના શિક્ષકોને તેમના અથાગ પ્રયત્નો અને સમર્પણભાવ માટે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય તહેવારના આ દિવસે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો. તેઓ એક મહાન શિક્ષક, વિદ્વાન અને દાર્શનિક હતા. શિક્ષક તરીકે તેમની કર્મનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠા ને હ્રદયમાં અદકેરું સ્થાન આપી તેમની એ નિષ્ઠાને પોંખવા માટે આ દિવસની સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં નવયુગ સ્કુલ, વિરપર જિલ્લા કક્ષાનો શિક્ષક દિનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ૧ અને તાલુકા કક્ષાએ ૭ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે પારિતોષિક અર્પણ કરી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જ્ઞાન સાધના પરીક્ષા અને જ્ઞાન સેતુ સહિતની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૨૫ પ્રતિભાવશાળી વિદ્યાર્થિને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, આજનો અવસર ગુરુજનો પ્રત્યે આદર અને આગવું સ્થાન આપી તેમને સન્માનવાનો અવસર છે. એક સારો શિક્ષક એક શ્રેષ્ઠ નાગરીક, સમાજ અને દેશનું નિર્માણ કરે છે. માં બાપ બાદ જીવનમાં શિક્ષકની ભૂમિકા અગત્યની છે જે બાળકને હંમેશા સફળ થતા જોવા ઝંખે છે, બાળકોને ભવિષ્યને સ્વર્ણિમ બનાવવા માટે સતત પ્રયાસો કરે છે. બાળકોને ભણતર સાથે ગણતર મળે, સામાજિક અને વ્યવહારૂ જ્ઞાન સાથે બાળકો શીલવાન બને તેવુ શિક્ષણ આપવા શિક્ષકોને જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં અને શિક્ષણના સ્તરને સુધારામાં શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રેવશોત્સવ તથા ગુણોત્સવ જેવી નુતન પહેલોએ મહત્વનો ભાગ ભજવ્યો છે.
ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લો હવે વિદ્યાનગરી બની રહ્યો છે, તેમાં મોરબીના શિક્ષકોનો સિંહફાળો છે. સૌને સતત શીખતા રહી બાળકોના વિકાસ માટે વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તેમને સૌ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, શિક્ષક ધારે તો બાળકને સફળતાના શિખર પર પહોંચાડી શકે છે, એક આદર્શ સમાજના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ મહત્વની છે. શિક્ષણ એ સમાજ સેવાનું મોટું માધ્યમ છે, ત્યારે શિક્ષક તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી બાળકોને મૂલ્ય શિક્ષણ આપી તેમની અંદર સારા સંસ્કારોનું સિંચન કરવા તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કમલેશભાઈ મોતાએ કર્યું હતું જ્યારે આભારવિધિ પ્રવીણભાઈ અંબારીયાએ કરી હતી.
આ પ્રસંગે નવયુગ સ્કુલના ટ્રસ્ટીશ્રી પી.ડી. કાંજીયા, સન્માનિત શિક્ષકશ્રીઓ અને તેમના પરીજનો,આ જિલ્લાની વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રી, બાળકો અને તેમના વાલીઓ તથા મોરબી જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.








