MORBI :મોરબી આરોગ્ય તંત્ર ઓક્સીજન પ્રેરક ઉદાહરણ પુરું પાડે છેઃ બીજા જીલ્લા તેને અનુસરશે?
MORBI :મોરબી આરોગ્ય તંત્ર ઓક્સીજન પ્રેરક ઉદાહરણ પુરું પાડે છેઃ બીજા જીલ્લા તેને અનુસરશે?
મોરબી સીલીકોસીસ પીડીત સંઘાની માગણીના અનુસંધાને જીલ્લા આરોગ્ય અધીકારીશ્રીએ આ માગણી સ્વીકારી જરુર હોય તેવા સીલીકોસીસ પીડીતોને પીએચસી/ સીએચસી મારફત ઓક્સીજન કોન્સટ્રેટર વાપરવા આપવાનો ઉત્તમ નીર્ણય લીધો અને તે મુજબ તા.૨૦ જાન્યુઆરીને રોજ એક પીડીતને આ મશીન આપવામાં આવ્યું. તે પછી બીજા ચાર પીડીતોને પણ મશીન આપવામાં આવતાં પીડીતોને મોટી રાહત થઇ છે. મોરબી જીલ્લા આરોગ્ય તંત્રએ એક પ્રેરક ઉદાહરણ પુરું પાડ્યું છે. તે માટે જીલ્લા કલેક્ટરશ્રી અને સમગ્ર આરોગ્ય તંત્ર ધન્યવાદને પાત્ર છે.
સુરેન્દ્રનગર સીલીકોસીસ પીડીત સંઘે તારીખ – ૨૬/૧૨/૨૦૨૪ના રોજ સુરેન્દ્રનગરના જીલ્લા આરોગ્ય અધીકારી ડો. બી જી ગોહેલ સાહેબને સીલીકોસીસ દર્દીઓ માટે ઓક્સીજન કોન્સટ્રેટર ફાળવવા માટેની રજૂઆત કરી. પરંતુ તેમણે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. જીલ્લાના થાનગઢ અને ધ્રાંગધ્રામાં થઇ હાલ દસેક દર્દી પથારીવશ છે અને તેમને આ મશીનની સખત જરુર છે. મળતી માહીતી મુજબ થાનગઢ ખાતે ૨૦થી વધુ મશીન ધૂળ ખાઈ રહ્યા છે પરંતુ સીલીકોસીસ પીડીતોને આપવા માટે જીલ્લા આરોગ્ય અધીકારી ઇંકાર કરતા રહ્યા છે.થાનગઢમાં મહેશભાઈ નામના સીલીકોસીસ પીડીતને ઓક્સીજન કોન્સટ્રેટર માટે થાનગઢ હોસ્પીટલ ખાતે રજૂઆત કરી તો તેમને મશીન આપવાનો ઇંકાર કરવામાં આવ્યો. અંતે થાકીને મહેશભાઈના પરિવારને ઓક્સીજન કોન્સટ્રેટર માટે ૩% વ્યાજે પૈસા લઈને ઓક્સીજન કોન્સટ્રેટર ખરીદવાની ફરજ પડી. લાંબા સમયથી ઓક્સીજન કોન્સટ્રેટર વગર હેરાન થતા મહેશભાઈ જો કે તે પછી વધુ જીવી શકયા નહીં અને તારીખ ૨૫/૦૧/૨૦૨૫ ના રોજ સીલીકોસીસથી મૃત્યુ પામ્યા. આવી પરીસ્થિતી અન્ય સીલીકોસીસ પીડીતો પણ ભોગવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા આરોગ્ય તંત્રને કાને પીડીતોની પીડા સંભળાય અને ધુળ ખાતા પડેલા મશીનોનો સદુપયોગ કરવાની તેમને પણ પ્રેરણા મળે તેવી અપેક્ષા પીડીતો રાખે છે.
કેંદ્ર સરકાર અને રાજ્ય સરકાર નાગરીકોને વીનામુલ્યે સારવાર આપવા કટીબધ્ધ છે અને અનેક દવાઓ વીનામુલ્યે પુરી પાડે છે ત્યારે ઓક્સીજનને પણ દવા ગણી સીલીકોસીસ પીડીતોને પુરા પાડે તો તેમાં કંઇ ખોટું નથી. જીવલેણ રોગથી પીડાતા દર્દીઓની જીવાદોરી લંબાય તેમાં જ રાજ્યનું કલ્યાણ છે તે ભુલવું જોઇએ નહી. આર્થીક રીતે સધ્ધર હોય તેઓ તો પોતાનો રસ્તો કરી લે પણ જે ગરીબ શ્રમયોગીઓ શ્રમ સીંચીને રાજય્ને આર્થીક સધ્ધરતા પ્રદાન કરવામાં પોતાના જીવનની આહુતી આપે છે તે આરોગ્યતંત્રની સહાનુભુતીને પાત્ર કેમ નથી તે મુંઝવનારો સવાલ છે. આ દીશામાં મોરબી જીલ્લાએ ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે ..