Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી ખાતે પરંપરાગત માધ્યમોના કલાકારો માટે સેમિનાર યોજાયો

તા.૧૯/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
નાગરિકો સરકારની ફ્લેગશીપ યોજનાઓનો મહત્તમ લાભ મેળવે તેવી નેમ સાથે પ્રચાર કરવા કલાકારોને અપાયું માર્ગદર્શન
માહિતી ખાતાના કારણે અમને પ્લેટફોર્મ અને ઓળખ મળી: પ્રવીણદાન ગઢવી
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે કચેરીમાં નોંધાયેલા પરંપરાગત માધ્યમોના કલાકારો માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. જેમાં કઠપૂતળી, ડાયરા અને નાટકના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે કલાકારોને અધિકારીશ્રીઓએ માર્ગદર્શન આપવાની સાથે કલાકારોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા. આ તકે માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક શ્રી સોનલબેન જોષીપુરાએ કલાકારોને માહિતી કચેરી દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં યોજાતા કાર્યક્રમોમાં રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓનો સમાવેશ કરવાની સાથે સેવાસેતુ કાર્યક્રમ, એક પેડ મા કે નામ તથા સ્વચ્છતા અભિયાનનો સમાવેશ કરવા જણાવ્યું હતું.
સહાયક માહિતી નિયામકશ્રી પ્રિયંકાબેન પરમારે કલાકારોને કાર્યક્રમના સ્થળે પડતી મુશ્કેલી સહિતના પ્રશ્નો સાંભળવાની સાથે તેનું નિવારણ કરી તથા જરૂર પડ્યે કલાકારોને જિલ્લા વહીવટી તંત્રનો પણ સહકાર મળશે તેવી ખાતરી આપી હતી.
વધુમાં સહાયક માહિતી નિયામકશ્રી રાધિકા વ્યાસ, શ્રી પારુલ આડેસરા, કચેરી અધિક્ષકશ્રી રઝાકભાઈ ડેલાએ કલાકારો સાથે લોક સાહિત્યને વધુ ઉજાગર કરવા માટેની તલસ્પર્શી ચર્ચા કરી હતી.
આ અવસરે વરિષ્ઠ કલાકાર શ્રી પ્રવીણદાન ગઢવીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, માહિતી ખાતા દ્વારા વર્ષોથી મને પ્રચારના કાર્યક્રમ સોંપવામાં આવે છે. જેથી માહિતી ખાતાના કારણે મને પ્લેટફોર્મ અને ઓળખ મળી છે. અન્ય એક કલાકાર શ્રી જયશ્રીબહેને જણાવ્યું હતું કે, ભવાઈ, ડાયરા, કટપુતળી નાટકો જેવા પરંપરાગત માધ્યમો સાથે સંકળાયેલા શ્રમજીવી કલાકારોને રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા કાર્યક્રમો મળી રહે છે જેનાથી કલાકારોને પ્રોત્સાહન મળે છે. કાર્યક્રમનું સંચાલન રિદ્ધિબેન ત્રિવેદીએ કર્યું હતું.





