NATIONAL

સુપ્રીમ કોર્ટે સમાન જાતિના લગ્ન મામલે આપેલા ચુકાદા પર પુનર્વિચાર અરજી ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે સમાન જાતિના લગ્ન મામલે આપેલા ચુકાદા પર પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે.  સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રેકોર્ડમાં કોઇ પણ ખામી દેખાતી નથી અને નિર્ણયમાં વ્યક્ત કરાયેલા વિચાર કાયદા મુજબના છે અને આમાં કોઇ પણ પ્રકારની દખલગીરી યોગ્ય નથી. જસ્ટિસ બીઆર ગવઇ, જસ્ટિસ સુર્યંકાત, જસ્ટિસ બીવી નાગરત્ના, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ દીપાંકર દત્તાની સંયુક્ત બેન્ચે આ ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટેની બંધારણીય બેન્ચે 17 ઓક્ટોબર, 2023ના રોજ આપેલા પોતાના નિર્ણયમાં ભારપુર્વક કહ્યું હતું કે, ‘અમે સમાન જાતિના લગ્નને માન્યતા નથી આપી શકતા, કારણ કે આ સંસદના અધિકાર ક્ષેત્રનો મામલો છે. જોકે, સુપ્રીમ કોર્ટે સમાન જાતિના યુગલોને સામાજિક અને કાયદાકીય અધિકાર આપવા માટે પેનલની રચના કરવાના સરકારના પ્રસ્તાવને સ્વીકાર કર્યું હતું.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અસંતુષ્ટ અરજદારોએ ગયા વર્ષે જુલાઇમાં આ મામલે જનહિતને ધ્યાનમાં રાખીને કોર્ટમાં પુનર્વિચાર અરજી કરી હતી. જોકે, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ રવિન્દ્ર ભટ, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ કોહલીના સેવાનિવૃત્ત થયા પછી નવી બેન્ચનું પનર્ગઠન કરવું પડ્યું હતું. જસ્ટિસ સંજીવ ખન્ના જે હાલ ચીફ જસ્ટિસ છે. તેમણે પાછલા વર્ષે જ આ કેસથી પોતાને અલગ કરી લીધો હતો.

સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવતા કહ્યું કે, ‘રેકોર્ડમાં કોઇ પણ ખામી દેખાઇ રહી નથી અને આપેલા ચુકાદામાં વ્યક્ત કરેલા વિચારો કાયદા મુજબના જ છે અને આમાં કોઇ પણ પ્રકારની દખલગીરી યોગ્ય નથી.’ નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે વર્ષ 2023માં જ્યારે આ મામલે ચુકાદો આપ્યો હતો ત્યારે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એસકે કૌલે સમાન જાતિના લગ્ન આપવાને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, સરકારે સમાન જાતિના યુગલોના અધિકાર અને તેમની સુરક્ષા માટે ભેદભાવ વિરોધી કાયદો બનાવવો જોઇએ.

Back to top button
error: Content is protected !!