
ફૈઝ ખત્રી..શિનોર
સાધલી–કાયાવરોહણ માર્ગ પર ચાલી રહેલું કામ ધીમી ગતિએ આગળ વધી રહ્યું હોવાથી સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા જવા માટેનો આ મહત્વનો માર્ગ હોવા છતાં કામ મંથરગતિએ ચાલતું હોવાથી રસ્તા પર કપચી અને મેન્ટલ પડ્યા રહેતા અકસ્માતની ભીતિ વધતી જાય છે.
રસ્તા પર ઉડતી ધૂળના કારણે ખાસ કરીને પરિવાર સાથે બાઈક પર જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આંખોમાં ધૂળ જવાથી દૃશ્યતા ઘટે છે અને અકસ્માતનો ભય વધુ વકરી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા સંબંધિત એજન્સીને વહેલી તકે કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
થોડા સમય પહેલા સ્ટેચ્યુ ઑફ યુનિટી તરફ જતી માર્ચને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે એક બાજુનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો તે રસ્તો પણ બાદમાં તોડી પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
આ પરિસ્થિતિને લઈને લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું તાત્કાલિક માર્ગ વ્યવસ્થા માત્ર નેતાઓ માટે જ કરવામાં આવે છે? સામાન્ય જનતાને સુરક્ષિત અને સગવડભર્યો માર્ગ ક્યારે મળશે — તેવો સવાલ હવે ચર્ચાનો વિષય બન્યો છે.



