MORBI:મોરબી મહાનગરપાલિકાએ GRUDA (ઇમ્પેક્ટ ફી) અંતર્ગત અનધિકૃત બાંધકામ રેગ્યુલરાઇઝ કરવા અરજદારોને પુનઃ નોટિસ પાઠવી બીજી તક આપી

MORBI:મોરબી મહાનગરપાલિકાએ GRUDA (ઇમ્પેક્ટ ફી) અંતર્ગત અનધિકૃત બાંધકામ રેગ્યુલરાઇઝ કરવા અરજદારોને પુનઃ નોટિસ પાઠવી બીજી તક આપી
મોરબી મહાનગરપાલિકાએ GRUDA (ઇમ્પેક્ટ ફી) અંતર્ગત અનધિકૃત બાંધકામ રેગ્યુલરાઇઝ કરવા અરજી કરનાર અને બાકી દસ્તાવેજો ન રજૂ કરનાર અરજદારોને પુનઃ નોટિસ પાઠવી બીજી તક આપી છે. સાથે જ હોટેલ, મલ્ટીપ્લેક્ષ/થિયેટર જેવા સ્થળોના સંચાલકોને વિકાસ પરવાનગી સહિતના જરૂરી દસ્તાવેજો નિર્ધારિત સમયમાં જમા કરવા સૂચના આપી છે, ત્યારે તમામ મામલે આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને જાણ કરવામાં આવે છે કે જેમના દ્વારા GRUDA (ઇમ્પેક્ટ ફી) અંતર્ગત અનધિકૃત બાંધકામને રેગ્યુલરાઇઝ કરવા અર્થે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી જે અરજદારોએ અરજી કરેલ હોય તેમાં ૧૯૭૧ની વિકાસ યોજના (ડીપી)ની હદમાં સમાવિષ્ટ વિસ્તારોની અરજીમાં પૂરતા દસ્તાવેજો રજૂ કરેલ ન હોય તેવા કિસ્સાઓમાં અગાઉ જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પત્ર પાઠવેલ, પરતું જે અરજદારોએ જરૂરી પૂરક દસ્તાવેજો રજૂ કરેલ ન હોય તેવા અરજદારોને પુન: પત્ર પાઠવી બીજી તક આપવામાં આવેલ છે. સંબંધિત તમામ અરજદારોએ આ પત્રમાં જણાવ્યા અનુસાર મુજબના બાકી રહેલા તમામ જરૂરી દસ્તાવેજો અને પૂરતા કાગળો મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં જમા કરાવી દેવા જેથી ઝડપથી રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી પૂર્ણ કરી શકાય.
આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ તથા ફાયર શાખા દ્વારા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા મકાનો કે જેમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેવા તમામ હોટેલ તથા મલ્ટીપ્લેક્ષ/થિયેટરમાં નોટિસ આપવામાં આવેલ તેવા પ્રકારના બાંધકામના સંચાલકોએ જરૂરી વિકાસ પરવાનગી (Development Permission) તથા અન્ય જરૂરી મંજૂરીના આધારભૂત દસ્તાવેજો ટાઉન પ્લાનિંગ શાખામાં જમા કરાવવાના રહેશે. જો નિયત સમયમાં સંબધિત વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં નિષ્ફળ રહેશે તો મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.








