અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 37 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા
અમેરિકામાં 104 ભારતીય ગેરકાયદે વસાહતીને લઈને અમેરિકાનું સી-17 પ્લેન ભારતના અમૃતસર એરપોર્ટ પર બપોરે બે વાગે ઉતર્યુ હતુ. અમેરિકના ઇતિહાસના સૌથી મોટા સામૂહિક ડિપોર્ટેશન કાર્યક્રમમાં ભારત પરત મોકલેલા 104 ભારતીયોમાં ગુજરાતના 37 અને હરિયાણાના 33, પંજાબના 30 ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના નાગરિકોનો સમાવેશ થતો હતો. હવે ગુજરાતના 37 લોકોને લઇને એક વિમાન અમદાવાદ એરપોર્ટ પર ઊતરાણ કરી ગયું હતું અને હવે આ બધાને તેમના વતન રવાના કરવાની તૈયારીઓ ચાલી રહી છે. 37 જેટલાં ગુજરાતીઓમાં ગાંધીનગરના 17, મહેસાણાના 10, સુરતના 3, અમદાવાદના 2, આણંદના 1, સિદ્ધપુર પાટણના 1, ભરુચના 1, વડોદરાના 1 અને બનાસકાંઠાના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે.
ગુજરાતના તમામ લોકોને લઈને અમૃતસરથી વિમાન દિલ્હી થઈને અમદાવાદ પહોંચ્યું હતું. આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેમને ઘરે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર જિલ્લા પોલીસના વાહનોમાં આ તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી તેમના વતન રવાના થશે. એરપોર્ટ પર આઈબી, સીઆઈડી અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી પરત આવનારા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના 12-12 લોકો અને સુરતના 4 તથા અમદાવાદના 2 અને ખેડા-વડોદરા તથા પાટણના 1-1 લોકો સામેલ છે.
ટ્રમ્પે પરત મોકલેલા 104 ભારતીયોમાં 69 પુરુષ, 25 મહિલા અને 13 બાળકો સામેલ છે. આ બધા ભારતમાંથી તો કાયદેસર રવાના થયા હતા, પરંતુ અમેરિકામાં ડંકી રુટે ઘૂસ્યા હતા. અમેરિકામાંથી ડિપોર્ટ કરીને લાવવામાં આવેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકા સરહદ પર પકડવામાં આવ્યા હતા. ભારત પહોંચેલા આ લોકોની હાલમાં ધરપકડની કોઈ શક્યતા નથી, કારણ કે તેમણે કોઈ કાયદાનો ભંગ કર્યો નથી. હાલમાં 104 ભારતીયોને વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓએ કોઈ ગંભીર ગુના આચર્યા છે કે નહીં તેની તપાસ થશે.
એક અંદાજ મુજબ અમેરિકામાંથી હાલમાં 18 હજાર ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે. એક અંદાજ મુજબ અમેરિકામાં 7.25 લાખ ભારતીયો ગેરકાયદે રહે છે. આમ અમેરિકામાં ગેરકાયદે રહેનારાઓમાં મેક્સિકન અને અલ સાલ્વાડોરના નાગરિકો પછી ભારતીયો ત્રીજા સ્થાને આવે છે. ગયા મહિને ભારત સરકારે જણાવ્યું હતું કે તે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીય નાગરિકોને પરત લેવા માટે હંમેશા તૈયાર રહે છે. વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું હતું કે ભારત તપાસ કરી રહ્યું છે કે અમેરિકામાં કેટલા ભારતીય ગેરકાયદેસર રીતે રહે છે. તેને પરત મોકલી શકાય છે કે નહીં.
ગયા સપ્તાહે અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ ભારતીય વિદેશપ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી અને ગેરકાયદે વસાહતીઓ સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન કરવાની તૈયારી દાખવી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રએ આ પહેલાં પણ ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસના ગેરકાયદે વતનીઓને પરત મોકલ્યા હતા. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે પેન્ટાગોનના ટેક્સાસના અલ પાસો અને કેલિફોર્નિયાના સાન ડીયેગોમાં જેલમાં રાખવામાં આવેલા પાંચ હજારથી વધારે ગેરકાયદે વસાહતીઓને તેમના દેશમાં મોકલવાનું શરૂ કરી દીધું છે.