MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ વોર્ડ નં. 5 માંથી ઉમેદવારી ફોર્મ ભર્યું

MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ વોર્ડ નં. 5 માંથી ઉમેદવારી ફોર્મ ભર્યું
મોરબી: મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે મોરબીનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આજે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ તેમના પરિવાર અને મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીમાં વોર્ડ નંબર 5 માંથી કોર્પોરેટર પદ માટે ઉમેદવારી નોંધાવી શક્તિપ્રદર્શન કર્યું હતું.
સામૂહિક ઉમેદવારી: કોંગ્રેસના જાહેર કરાયેલા 23 નામોમાંથી આજે કુલ 20 ઉમેદવારો ફોર્મ ભરશે. વોર્ડ નંબર 5 માંથી 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, જ્યારે વોર્ડ નંબર 8, 9 અને 13 ના ઉમેદવારો પણ પ્રક્રિયામાં જોડાયા. પક્ષની રણનીતિ મુજબ બાકીના તમામ ઉમેદવારો આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી દેશે.”ભાજપ ડરનું વાતાવરણ ઉભું કરી રહી છે”: પુષ્પરાજસિંહનો આક્ષેપ ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પુષ્પરાજસિંહ જાડેજાએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પક્ષની રણનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ઉમેદવારોના નામ ગુપ્ત રાખવા પાછળ ભાજપની ‘ડરાવવાની રાજનીતિ’ જવાબદાર છે.”ભાજપના શાસનમાં એક ડરનો માહોલ છે. ઉમેદવારો નક્કી થાય તે પહેલા જ તેમને ડરાવવામાં આવે છે અને સામાજિક દબાણ લાવવામાં આવે છે. આથી જ અમે રણનીતિ મુજબ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી છે.”પુષ્પરાજસિંહે પોતાનો જ દાખલો આપતા ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, તેઓ પોતે ક્ષત્રિય સમાજમાંથી આવતા હોવા છતાં કેટલાક સામાજિક નેતાઓ દ્વારા તેમને વોર્ડ નંબર 5 માંથી ઉમેદવારી ન કરવા અને અન્ય વોર્ડ પસંદ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ વિરોધ પક્ષના મજબૂત ઉમેદવારોને રોકવા માટે સામાજિક આગેવાનોનો સહારો લઈ રહી છે.
મોરબીમાં ચૂંટણીનો જંગ હવે જામ્યો છે. એક તરફ ભાજપ પોતાનો ગઢ સાચવવા મથશે, તો બીજી તરફ કોંગ્રેસે ‘સરપ્રાઈઝ’ રણનીતિ અપનાવીને ભાજપના દબાણને ખાળવાનો પ્રયાસ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે 3 વાગ્યા સુધીમાં બાકીના કયા ચેહરાઓ મેદાનમાં ઉતરે છે.









