MORBI મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ કરાઈ
MORBI મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ કરાઈ
અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે
મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરીયા દ્વારા સંચાલિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે રૂ.29.51 લાખનો નફો થયો છે. આ નફા પૈકીની રૂ.25 લાખની રકમ શહીદોના પરિવારને સહાય રૂપે અર્પણ કરી દેવામાં આવી છે.
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષથી સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા રવાપર – ઘુનડા રોડ ઉપર રામેશ્વર ફાર્મમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર આયોજન શહીદ પરિવારના લાભાર્થે થાય છે. આ નવરાત્રી મહોત્સવનો સમગ્ર હિસાબ ગઈકાલે આઠમા નોરતે અજય લોરીયા દ્વારા મહોત્સવ દરમિયાન જ રજૂ કરવામાં આવ્યો હતો.
આ વેળાએ અજય લોરીયાએ જણાવ્યું કે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રમવા આવતા ખેલૈયાઓ માતાજીની આરાધના તો કરી જ રહ્યા છે. સાથોસાથ તેઓ દેશ માટે બલિદાન આપનાર વીર શહીદોના પરિવારની મદદ પણ કરી રહ્યા છે. કારણકે આ નવરાત્રી મહોત્સવમાંથી થયેલો નફો શહીદ પરિવારોને સહાય રૂપે આપવામાં આવી રહ્યો છે.
નવરાત્રી મહોત્સવ દરમિયાન 25 શહીદ પરિવારોને અલગ અલગ દિવસે અજય લોરીયા દ્વારા સ્વખર્ચે અહીં બોલાવવામાં આવ્યા હતા. આ તમામ પરિવારોને મહાનુભાવોના હસ્તે રૂ.1 -1 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો થયો છે. જે પૈકીની રૂ.25 લાખની રકમ 25 શહીદ પરિવારોને ચુકવાઈ ગઈ છે. હવે બાકીની રકમ અન્ય સેવાકાર્યોમાં વપરાશે.