MORBI:મોરબી રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાયું: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું
MORBI:મોરબી રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાયું: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું –
મોરબી ખાતે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અંદાજીત રૂ.૧૦ કરોડના ખર્ચે પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝન સાથે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના અનેક રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે ગુજરાતના ૧૮ રેલવે સ્ટેશન સાથે મોરબીના રાજાશાહી વખતના રેલવે સ્ટેશનની સાંસ્કૃતિક ધરોહર યથાવત રાખી રૂપિયા ૧૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે.વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના ૧૦૩ પુનઃ વિકસિત રેલવે સ્ટેશન સાથે ગુજરાતના ૧૮ રેલવે સ્ટેશનનું ઈ–લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે મોરબીના પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભારતીય સેનાના નિવૃત્ત સૈનિકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ રાજસ્થાનના બીકાનેર ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો.મોરબીના રાજવીએ વર્ષ ૧૯૩૫માં બનાવેલ મોરબી રેલ્વે સ્ટેશન લાંબા સમયથી શહેરની સ્થાપત્ય, સંસ્કૃતિક અને ઔદ્યોગિક વારસાનું સાક્ષી રહ્યું છે.ટાઇલ્સ ઉત્પાદન ઉદ્યોગ માટે વિશ્વ કક્ષાના એક મુખ્ય વિસ્તારમાં સ્થિત રેલવે સ્ટેશનનું નવનિર્માણ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે.સ્ટેશનના મૂળ ભાગને એક ગૌરવપૂર્ણ વારસાગત માળખા તરીકે જાળવી રાખવામાં આવ્યો છે.પુનઃ વિકાસ અન્વયે પ્લેટફોર્મ રીસર્ફેસિંગ, કવરશેડ ઇન્સ્ટોલેશન, બગીચો અને લેન્ડસ્કેપિંગ, અદ્યતન અને વિશાળ પાર્કિંગ સુવિધા, ઇમારતનું સમારકામ, વિશાળ વેઈટીંગ હોલ, આધુનિક શૌચાલય, આકર્ષણ સાથે લાંબો પોર્ચ, હેરિટેજ લુક, અલાયદી પ્રવેશ નિકાસ વ્યવસ્થા તેમજ દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધા સહિતની સવલતો ઉભી કરવામાં આવી છે.