વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં હાલમાં મોન્સૂન ફેસ્ટિવલ પૂરજોશમાં ચાલી રહ્યો છે,અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત મોન્સૂન ફેસ્ટિવલને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.ત્યારે મોન્સૂન ફેસ્ટિવલની વચ્ચે નોટિફાઈડ એરીયા કચેરીની ઘોર બેદરકારીનાં પગલે પ્રવાસીઓને મળતી સુવિધાઓ કથળી રહી હોય તેવું જણાઈ રહ્યુ છે.એક તરફ રાજ્ય સરકાર પ્રવાસનને વેગ આપવા માટે વિવિધ કાર્યક્રમો યોજી રહી છે, ત્યારે બીજી તરફ સાપુતારા નોટિફાઈડ કચેરી પ્રવાસીઓને પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં ઉણી ઉતરી હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલ સર્પગંગા તળાવ, જે પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે,ત્યાંની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળી રહી છે.તળાવ કિનારે પ્રવાસીઓના બેસવા માટે મૂકવામાં આવેલા બાંકડા પણ તૂટી ગયેલ હાલતમાં જોવા મળી રહ્યા છે.આ કારણે પ્રવાસીઓને બેસવાની યોગ્ય સુવિધા મળતી નથી, અને તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓની ભીડ વધુ હોવાથી આ સમસ્યા વધુ વકરી છે.સાપુતારા ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે.ચોમાસાની ઋતુમાં સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે, જેના કારણે હજારો પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે. આવા સમયે, તૂટેલા બાંકડા અને અન્ય પ્રાથમિક સુવિધાઓનો અભાવ ફરવા આવતા પ્રવાસીઓને નિરાશા પુરી પાડે છે. તૂટેલા બાંકડા જેવી નાની લાગતી બાબત પણ પ્રવાસીઓને અગવડ ઊભી કરે છે અને ગિરિમથકની છબીને નુકસાન પહોંચાડે છે. મોન્સૂન ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસીઓને આકર્ષીને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાનો છે.જોકે નોટિફાઈડ વિભાગની બેદરકારીનાં પગલે સુવિધાઓના અભાવે આ હેતુ સિદ્ધ થઈ રહ્યો નથી. સ્થાનિક વેપારીઓ પણ ચિંતિત છે કે જો આ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો લાંબા ગાળે સાપુતારા પ્રત્યે પ્રવાસીઓનો રસ ઘટી શકે છે,જેની સીધી અસર તેમના વ્યવસાય પર પડશે.પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓ દ્વારા સાપુતારા નોટિફાઈડ કચેરીને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપીને જર્જરિત સુવિધાઓનું સમારકામ કરવા અને નવી સુવિધા પુરી પાડે તેવી માંગ કરી છે. ત્યારે સાપુતારા નોટિફાઈડ એરીયા કચેરીનાં જવાબદાર અધિકારીઓ દ્વારા આ સમસ્યાઓ પ્રત્યે ગંભીરતા દાખવવામાં આવે અને પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો સાપુતારાનું નામ પ્રવાસન નકશા પર વધુ ઊંચે જઈ શકે તેમ છે.જોકે સાપુતારા નોટિફાઈડ એરીયા કચેરીનાં અધિકારીઓ આ અંગે પૂરતું ધ્યાન આપશે કે નહિ તે તો જોવુ જ રહ્યુ..