Rajkot: રાજકોટમાં ગંગાસ્વરૂપાને સાસરીયા પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવવામાં સહાયરૂપ બનતું મહિલા સહાયતા કેન્દ્ર
તા.૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકાર પીડિત મહિલાઓમાં આત્મસન્માન અને આત્મવિશ્વાસ નિર્માણ કરવાનો સતત પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ અભયમ્, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર સહિત સંસ્થાઓ ઉપરાંત મહિલાલક્ષી વિવિધ યોજનાઓ કાર્યરત છે. ત્યારે રાજકોટ શહેરમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર દ્વારા સસરા પક્ષ પાસેથી ગંગાસ્વરૂપ પીડિતાને જરૂરી ડોક્યુમેન્ટ્સ પરત અપાવી સહાય કરવામાં આવી હતી.
અરજદાર મહિલાના લગ્નને ૧૮ વર્ષ પૂર્ણ થયેલા છે. એક પતિ, પત્ની, દીકરી, દીકરાના હર્યાભર્યા પરિવાર પર અચાનક કાળનું ચક્ર ફર્યું અને પતિ-દીકરો પાણીમાં ડૂબવાથી મૃત્યુ પામ્યા. આથી, પત્ની પોતાની દીકરી સાથે સાસરામાં માનસિક રીતે સેટ ન થઈ શકતી હોવાથી છેલ્લા છ-સાત વર્ષથી પિયરમાં રહેતા હતાં. તેઓ પિયરમાં રહેવા આવ્યા ત્યારથી સાસરી પક્ષના સભ્યો સાથે પતિ અને દીકરાના મૃત્યુનો દાખલો તથા અન્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટ બાબતે અવારનવાર માંગણી કરી હતી. સામાજિક તથા જ્ઞાતિગત રીતે પણ જરૂરી કાગળિયાં મેળવવા પ્રયત્નો કર્યા હતાં. પરંતુ સાસરી પક્ષેથી યોગ્ય પ્રતિસાદ મળતો ન હતો. આથી, તેમણે મહિલા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ખાતે મદદ માટે અરજી કરી હતી.
મહિલા સહાયતા કેન્દ્રની ટીમે પીડિતાના પિયર અને સાસરી પક્ષને બોલાવી, તેઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેમજ મહિલાને ડોક્યુમેન્ટ આપી દેવા માટે સાસરીયાને સમજાવ્યા અને કાયદાકીય સલાહ-સૂચનો આપ્યા હતાં. પતિ અને દીકરાના મૃત્યુના દાખલા સહિત તમામ ડોક્યુમેન્ટ્સ મળી જતા મહિલાને સાંત્વના મળી હતી. એટલું જ નહીં, મહિલા સહાયતા કેન્દ્રની ટીમે મહિલાને ગંગાસ્વરૂપા સહાય યોજનાનું ફોર્મ ભરવામાં પણ સહાય કરી હતી. આ તકે અરજદાર મહિલાએ મહિલા સહાયતા કેન્દ્રની ટીમનો આભાર માન્યો હતો.