MORBI મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે રાષ્ટ્રપ્રેમીઓની પ્રતિમાઓને સ્વચ્છ કરી થર્ટી ફર્સ્ટને અનોખી રીતે ઉજવી

MORBI મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે રાષ્ટ્રપ્રેમીઓની પ્રતિમાઓને સ્વચ્છ કરી થર્ટી ફર્સ્ટને અનોખી રીતે ઉજવી
પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરી ફક્ત મોજ-મસ્તી કરી નવુ વર્ષ ઉજવતા યુવાનોને અપાયો પ્રેરણાદાયી સંદેશ
મોરબી : જ્યારે થર્ટી ફર્સ્ટની રાત્રે મોટાભાગે યુવાધન પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરી ફક્ત મોજ-મસ્તીમાં નવા વર્ષની ઉજવણી કરે છે, ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના યુવાનોએ ઉજવણીને એક અલગ જ અર્થ આપ્યો હતો. “બીજાની ખુશીમાં જ આપણી સાચી ખુશી છે” આ વિચારને સાકાર કરતાં, યંગ ઇન્ડિયા ગ્રુપના યુવાનોએ શહેરમાં આવેલી અને લાંબા સમયથી અવગણનાનો ભોગ બનેલી રાષ્ટ્રપ્રેમીઓની પ્રતિમાઓને સ્વચ્છ બનાવી, હારતોરા અર્પણ કરી થર્ટી ફર્સ્ટ તથા નવા વર્ષની અનોખી ઉજવણી કરી હતી.
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારને સેવા, સંસ્કાર અને સંવેદનાની સાથે ઉજવવાની વિચારધારાને ફરી એકવાર જીવંત બનાવવામાં આવી. દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર અને સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરનાર શહીદ ભગતસિંહ, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, ડો. બાબાસાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોની પ્રતિમાઓ વર્ષોથી મોરબી શહેરની વિવિધ જાહેર જગ્યાઓ પર સ્થાપિત છે, જે જનમાનસને દેશહિત માટે કાર્ય કરવાની સતત પ્રેરણા આપે છે. પરંતુ સંબંધિત તંત્ર દ્વારા જાળવણીના અભાવે અનેક પ્રતિમાઓ પર ધૂળની ચાદર છવાઈ ગઈ હતી તથા આસપાસ ગંદકી જોવા મળતી હતી.
મહાપુરુષોના જન્મદિન કે નિર્વાણદિન પૂરતું સ્મરણ સીમિત રાખવાથી આ પવિત્ર પ્રતિમાઓની હાલત દયનીય બની છે. આવી સ્થિતિમાં, ક્રાંતિકારી વિચારધારા અને સર્વધર્મ સમભાવનો સંદેશ જનજન સુધી પહોંચાડતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેન રબારીના માર્ગદર્શન હેઠળ, સમગ્ર યુવા ટીમે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની અનોખી ઉજવણીના ભાગરૂપે શહેરની વિવિધ જગ્યાએ આવેલી તમામ રાષ્ટ્રપ્રેમીઓની પ્રતિમાઓને જળાભિષેક કરીને સ્વચ્છ કરી, યોગ્ય રીતે સફાઈ કરી તેમજ પ્રતિમાઓની આસપાસની ગંદકી દૂર કરવાનો ભગીરથ પ્રયાસ હાથ ધર્યો હતો.
આ પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “નવું વર્ષ દારૂની બોટલ ખોલીને ઉજવવાનું નથી, પરંતુ ચેતનાને જગાડીને શરૂ કરવાનું છે. જે પ્રતિમાઓ આપણને દેશ માટે જીવવાનું શીખવે છે, તેની અવગણના થાય એ રાષ્ટ્ર માટે શોભાસ્પદ નથી. તહેવારોની સાચી ઉજવણી સેવા, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમમાં છુપાયેલી છે. જો યુવાનો આજે દેશના મહાનુભાવોને સન્માન આપવાનું શીખશે, તો આવતી કાલે દેશ પોતે જ તેમનું સન્માન કરશે.”
આ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના યુવાનો અને કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો કે આવનારા સમયમાં પણ સમયાંતરે આ પ્રતિમાઓની સ્વચ્છતા અને જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહેશે. આ પ્રેરણાદાયી કામગીરી દ્વારા સંબંધિત તંત્રને તેમજ થર્ટી ફર્સ્ટની મદહોશીભરી ઉજવણીમાં વ્યસ્ત યુવાધનને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે તહેવારોની સાચી ઉજવણી દેખાવડી મોજ-મસ્તીમાં નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીમાં છે.








