ભરૂચમાં 4 વર્ષમાં 223 વાહનચાલકોના લાઇસન્સ રદ્દ, અકસ્માતના કિસ્સાઓમાં આરટીઓની કામગીરી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. જેને લઈને અકસ્માતની ઘટના અવાર નવાર પ્રકાશમાં આવી રહી છે. જેમાં કેટલાક કિસ્સામાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સ્થગિત કરવામાં આવે છે. ભરૂચ આરટીઓ પરથી મળતી માહિતી મુજબ અકસ્માતના કેસમાં કોની ભૂલ હોય છે,તે જોવામાં આવે છે,કારણ કે ઘણી વખત રાહદારીઓની પણ ભૂલના કારણે પણ અકસ્માત બનતો હોય છે. તેની તપાસ કર્યા બાદ વાહન ચાલકની ભૂલ જણાય તેવા કિસ્સામાં વાહન ચાલક નું ડ્રાઇવિંગ લાઇસન્સ આરટીઓ દ્વારા ત્રણ મહિનાથી છ મહિના સુધી સ્થગિત કરવામાં આવે છે. જેને લઈને જિલ્લામાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન 223 જેટલા ડ્રાઇવિંગ લાઇસન્સ ને 3 મહીના સુધી રદ કરવામાં આવ્યા છે. ઉલેખનીય છે કે, શહેરી વિસ્તારમાં વસ્તી વધારાના સાથે વાહનો પણ વધી રહ્યા છે. પરંતુ વિસ્તાર તેટલો જ રહેતા ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. જેના કારણે અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે. જેના થી બચવા માત્ર એક જ ઉપાય છે.કે રાહદારીઓ અને વાહન ચલાવનાર આજુ બાજુ ધ્યાન આપી કાળજી પૂર્વક વાહન ચલાવે તે જરૂરી બન્યું છે. નહિતર અકસ્માત ના કિસ્સામાં આરટીઓ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરશે. જેમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં 64 લાઇસન્સ રદ કર્યા છે.




