MORBI:મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક રહેણાંક મકાનમાં જુગાર રમતાં મહિલા સહિત ૯ ઝડપાયા

MORBI:મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક રહેણાંક મકાનમાં જુગાર રમતાં મહિલા સહિત ૯ ઝડપાયા
મોરબી એલસીબી ટીમે આજે બાતમીના આધારે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છીપીઠના એક મકાનમાં ચાલતા જુગારધામને ઝડપી લીધું હતું. એલસીબી ટીમે અહીં જુગાર રમતા એક મહિલા સહિત નવ આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, જુસબ ઉર્ફે જુસો ગુલમહમદભાઈ મોવર રહે મોરબીવાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પૂરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારું નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ મચ્છી પીઠમાં આવેલ આરોપીના મકાનમાં રેડ કરી હતી. જ્યાં જુગાર રમતા જુસબ ઉર્ફે જુસો ગુલમહમદભાઈ મોવર, રાજેશભાઈ જીવરાજભાઈ પટેલ, સુભાનભાઈ ઇકબાલભાઈ જેડા, સદામભાઈ રજાકભાઈ પરમાર, સરતાજભાઈ સલીમભાઈ અંસારી, ચિરાગભાઈ રાઘવજીભાઈ પટેલ, ફિરોજભાઈ મહમદ હુસેન સિપાઈ, સોયેબભાઈ સુભાનભાઈ લોલાડીયા અને યાસ્મીન ઉર્ફે આરતીબેન સંજયભાઈ અગેચણીયા નામના નવ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ આરોપીઓ પાસેથી કુલ રૂ. 3,02,500નો મળેલ મુદામાલ કબ્જે કરી તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






