
તા.૦૭.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ઇંટભઠ્ઠા માલિકો દ્વારા ગેરકાયદેસર માટી ખનનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દુધિયા અને મોટી બાંડીબાર સહિતના વિસ્તારોમાં ઈંટ ભઠ્ઠા માલિકો કોઈપણ પ્રકારની મંજૂરી વિના ખેડૂતોના ખેતરોમાંથી માટીનું ગેરકાયદે ખનન કરી રહ્યા છે. ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર ઈંટભઠ્ઠા માલિકો ખેડૂતોને માત્ર ૨૦૦/- રૂપિયા પ્રતિ ટ્રેક્ટર ચૂકવીને માટી ખનન કરીને લઈ જાય છે. આ કાર્યવાહી ગુજરાત માઈનર મિનરલ કન્સેશન રૂલ્સનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. જેસીબી મશીન દ્વારા કરવામાં આવતા ખોદકામથી ફળદ્રુપ જમીન બંજર બની રહી છે. ફતેપુરા ગામના ખેતર માલિક બલુભાઈએ જણાવ્યું કે, ઈંટભઠ્ઠા માલિકો જેસીબીથી માટી ખોદીને લઈ જાય છે. આજુબાજુના ગામોમાં પણ આ જ રીતે માટી ખનન થઈ રહ્યું છે. ગ્રામજનોએ લીમખેડા મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ પાસે આ બાબતની તાત્કાલિક તપાસની માંગ કરી છે. લીમખેડા મામલતદાર અનીલ વસાવાએ આ મામલે જણાવ્યું કે તેમને આ બાબતે હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી. અને જો ફરિયાદ મળશે તો તપાસ કરીને નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે





