MORBI:મોરબી આંગડિયા પેઢીમાં લૂંટ અને હત્યા કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો
MORBI:મોરબી આંગડિયા પેઢીમાં લૂંટ અને હત્યા કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો
મોરબીના જૂના બસ સ્ટેશન પાસે આવેલી એન.આર. એન્ડ કંપની લૂંટ અને હત્યા કેસમાં સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આરોપી પક્ષના વકીલની કાયદાકીય દલીલોમાં આરોપીઓની વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતા, અને સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ હોવાથી, કોર્ટએ શંકાના લાભના આધારે આરોપીઓને છોડી મૂકવાનો ચુકાદો આપ્યો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ૨૩ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ મોરબીના એન.આર. એન્ડ કંપની લૂંટ અને હત્યા કેસમાં ફરિયાદ નોંધી હતી. ફરિયાદ મુજબ, ફરીયાદીના પિતા, વલ્લભદાસ હિરાણી પર છરી વડે હુમલો કરી તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું. આ લૂંટ દરમિયાન આશરે રૂ. ૪.૨૬ લાખ રોકડ અને ચાર મોબાઇલ ફોન ચોરી કરવામાં આવ્યા હતા. ત્યારે સીટી પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને હત્યાની કલમો સાથે ગુનો નોંધી તપાસ ચલાવી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.ઉપરોક્ત કેસમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન, ફરીયાદી પક્ષે સાક્ષીઓ, ડોક્ટર, તપાસ અધિકારીઓ અને પંચના નિવેદનો રજૂ કર્યા હતા. ત્યારે આરોપી પક્ષના વકીલ દિલીપભાઈ અગેચાણીયા દ્વારા દલીલ કરી હતી કે ફરીયાદી પક્ષ પુરાવાઓ પ્રસ્તુત કરવામાં નિષ્ફળ ગયા છે તેમજ સાક્ષીઓના નિવેદનોમાં એકરૂપતા ન હોય તેમજ ઘટનાસ્થળ જાહેર રસ્તા પર હોવા છતાં, પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અથવા ઓળખ પરેડ કરવામાં આવી નહોતી. આ ઉપરાંત મરણજનારના સગાઓ અને અન્ય સાક્ષીઓએ ફરીયાદપક્ષના દાવાને સમર્થન આપ્યું નહોતું. આ તમામ દલીલોને ધ્યાને લઇ, નામદાર સેશન્સ કોર્ટે બચાવ પક્ષના વકીલ દિલીપભાઈ અગેચાણીયાની દલીલોને ગ્રાહ્ય રાખી મોરબી સેશન્સ કોર્ટે રાજેશભાઈ ઉર્ફે રાજુ પ્રભુભાઈ વડાવીયા અને દીના ઉર્ફે દીનેશ કનૈયાલાલ અહેરવાલને શંકાના લાભના આધારે નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો ચુકાદો આપ્યો હતો.આ કેસમાં બચાવ પક્ષ તરફથી વકીલ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, કૃષ્ણા જારીયા અને મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.