MORBI:રોજગારી માટે માર્ગ મોકળો; મોરબીમાં ૬ મહિનામાં આયોજિત ભરતી મેળાઓ થકી ૧૧૫૫ યુવાઓએ રોજગારી મેળવી
MORBI:રોજગારી માટે માર્ગ મોકળો; મોરબીમાં ૬ મહિનામાં આયોજિત ભરતી મેળાઓ થકી ૧૧૫૫ યુવાઓએ રોજગારી મેળવી
સરકાર દ્વારા આયોજિત ભરતી મેળાઓમાં રોજગારી મેળવી અનેક યુવાઓ બન્યા પગભર; યુવાઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી
સરકાર દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવા જિલ્લાઓમાં જિલ્લા વિનિમય કચેરી હેઠળ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે અને રોજગારી પૂરી પાડવા પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં આ વર્ષે એપ્રિલ – ૨૦૨૫ થી અત્યાર સુધી ૧૮ કેટલા ભરતી મેળાઓનું આયોજન કરી ૧૧૫૫ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.
રોજગારી આ શબ્દ આપણી સમગ્ર જીવનશૈલી સાથે સીધો જ સંકળાયેલો છે. યોગ્ય રોજગારી સાથે સમગ્ર પરિવારનું જીવનધોરણ જોડાયેલું છે ત્યારે સરકાર દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવા અનેકવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. જે જે પૈકીનું એક એટલે ભરતી મેળા. સરકારના શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગ જિલ્લાઓમાં રોજગાર અને વિનિમય કચેરીઓ દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ ભરતી મેળાઓમાં ખાનગી કંપનીઓના નોકરી દાતા ઉપસ્થિત રહી ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ તેમને અનુકૂળ યુવાઓની સ્થળ પર જ પસંદગી કરવામાં આવે છે અને રોજગારી પ્રદાન કરવામાં આવે છે.
ભરતી મેળા થકી રોજગારી મેળવનાર યુવાઓ હર્ષની લાગણીની વાત કરીએ તો, ટંકારા તાલુકાના લજાઈના હર્ષ રામાનુજ જણાવે છે કે, ટંકારા ખાતે આયોજિત ભરતી મેળાનો મેં લાભ લીધો હતો. જ્યાં બીજ કોર્પોરેશન કંપની દ્વારા મારું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ કંપની ખાતે ફાઇનલ ઇન્ટરવ્યૂ લીધા બાદ મને કેશિયરની નોકરી આપવામાં આવી છે. હાલ મારી સેલેરી ૨૪ હજાર છે અને જેનાથી મારું જીવન ધોરણ સારું ચાલે છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોરબીમાં રોજગારી માટે આવેલા હાર્દિક પારઘી જણાવે છે કે, ટંકારા ખાતે મોરબી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળામાં હું રોજગારી માટે આવ્યો હતો. જ્યાંથી મને બીજ કોર્પોરેશનમાં સ્ટોક એક્ઝિક્યુટિવ સુપરવાઇઝરની નોકરી મળી છે અને હાલ ત્યાં મારો પગાર ૨૫ હજાર છે.
મોરબીના મારુ હીલોની જણાવે છે કે, મોરબી આઈટીઆઈ ખાતે આયોજિત ભરતી મેળામાં ઘણી બધી કંપનીઓમાંથી નોકરી દાતાઓ હાજર રહ્યા હતા. જેમાંથી અજંતા એલએલપીમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં મારી પસંદગી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી. હાલ હું અજંતા એલએલટીમાં કાર્યરત છું અને ૧૫ હજાર પગાર મેળવું છું. રોજગારી બદલ હું જિલ્લા રોજગાર કચેરીનો આભાર વ્યક્ત કરું છું.
મોરબી તાલુકાના શનાળાના મકવાણા મયુરી જણાવે છે કે, ગત મે માસમાં મોરબી આઈ.ટી.આઈ ખાતે રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કંપનીઓ આવેલી હતી જેમાંથી મારી પસંદગી અજંતા એલએલપીમાં કરવામાં આવી છે. ત્યાં ૧૫ હજાર ના પગાર ખાતે હું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. રોજગારી બદલ હું જિલ્લા રોજગાર કચેરીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.
વાંકાનેરના અજબા વડગામા જણાવે છે કે, રોજગાર ભરતી મેળા થકી મને વાંકાનેર નજીક કેલ્ડરીઝ કંપની દ્વારા મારું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને ત્યાં જ મારી પસંદગી કરવામાં આવી હતી. જ્યાં કેમિકલ ચેકિંગ વિભાગમાં મને નોકરી આપવામાં આવી છે. જ્યાં હું રો મટીરીયલનું કેમિકલ ટેસ્ટિંગ કરું છું, જે માટે મને ૨૦ હજારનો પગાર આપવામાં આવે છે.
મોરબી જિલ્લો સીરામીક ક્ષેત્રે અગ્રેસર છે. સિરામિક ની સાથે મોરબી જિલ્લામાં અનેક ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગો મોરબી જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના અનેક જિલ્લા તેમજ દેશના અન્ય રાજ્યોના લોકોને પણ રોજગારી પૂરી પાડે છે. ત્યારે સરકાર દ્વારા આયોજિત ભરતી મેળાઓમાં અહીંના ઉદ્યોગો પણ સહભાગી થાય છે અને તેમની વર્ક પ્રોફાઈલ અનુસાર કર્મચારીઓની પસંદગી કરે છે. આ ભરતી મેળાઓ આજે અનેક યુવાનોને રોજગારી મેળવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે, અનેક ખાનગી કંપનીઓ સારા પગાર સાથે તેમની જરૂરિયાત મુજબના કર્મચારીઓની પસંદગી કરે છે. જેથી તેમને કુશળ અને સક્ષમ કર્મચારીઓ મળી રહે છે અને યુવાઓને રોજગારી મળી રહે છે.