MORBI :રાજ્ય કક્ષાના હોમગાર્ડ્ઝ રમત મહોત્સવમાં મોરબીનું ગૌરવ વધ્યું; શૂટિંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ જિલ્લા કમાન્ડન્ટશ્રી દીપ પટેલ સન્માનિત

MORBI :રાજ્ય કક્ષાના હોમગાર્ડ્ઝ રમત મહોત્સવમાં મોરબીનું ગૌરવ વધ્યું; શૂટિંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ જિલ્લા કમાન્ડન્ટશ્રી દીપ પટેલ સન્માનિત
ગાંધીનગર ખાતે મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ હસ્તે વિશેષ એવોર્ડ અને સન્માન પત્ર એનાયત કરાયો
ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંકુલમાં હોમગાર્ડ્ઝ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૬ માં મોરબી જિલ્લાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ રમતગમત મહોત્સવમાં મોરબી જિલ્લા હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટશ્રી દીપ ભૂપેન્દ્રભાઈ પટેલે શૂટિંગ ક્ષેત્રે મેળવેલી વિશિષ્ટ સિદ્ધિ બદલ તેમને રાજ્ય કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યના ચાર ઝોનના હોમગાર્ડ્ઝ જવાનો માટે યોજાયેલા આ દ્વિ-દિવસીય રમત મહોત્સવમાં ૧૦૦ થી ૪૦૦ મીટર દોડ, રસાખેંચ અને વોલીબોલ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર ઝોન વતી ભાગ લેતા મોરબીના કમાન્ડન્ટશ્રી દીપ પટેલે રાષ્ટ્રીય કક્ષાના ખ્યાતનામ શૂટર તરીકે પિસ્તોલ શૂટિંગમાં (સેન્ટર ફાયર અને સ્ટાન્ડર્ડ પિસ્તોલ) પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું. તેમની આ રમતગમતની પ્રતિભાને બિરદાવતા રાજ્યના નાણા, ગૃહ અને આબકારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ તથા ગુજરાત રાજ્ય હોમગાર્ડ્ઝના વડા ડાયરેક્ટર જનરલ ડો. સમશેરસિંઘ (IPS) ના વરદ હસ્તે તેમને વિશેષ એવોર્ડ અને પ્રશસ્તિપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.
આ ગૌરવવંતા અવસરે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાએ હોમગાર્ડ્ઝ દળનું નામ રોશન કરવા બદલ રાજ્યના ડાયરેક્ટર જનરલશ્રીએ તેમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.










