કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે કૃષિ સખી/કમ્યૂનિટી રિસોર્સ પર્સન માટે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ
તાહિર મેમણ – 14/05/2025 – નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલીત કે.વી.કે.અને આત્મા પ્રોજેક્ટ, નર્મદાના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત એક અઠવાડિયા (તા. ૧૨ મી મે થી ૧૬ મી મે ૨૦૨૫) દરમિયાન પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમના પ્રથમ દિવસે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ.,ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. એચ. યુ. વ્યાસે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને, પાકમાં આવતા જુદા જુદા રોગોની ઓળખ તેમજ જુદી જુદી જીવાતોના પ્રકાર, અને જીવાતોની ઓળખ જીવાતોના નિયંત્રણ માટે પ્રાકૃતિક કૃષિમાં વપરાતા જુદા જુદા પ્રકલ્પો જેમકે બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણીઅર્ક તેમજ અન્ય જંતુનાશકો વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
આ તાલીમ દરમિયાન ડો.એમ.વી.તિવારી વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) એ પ્રાકૃતિક કૃષિનો ખેડૂત પ્રાકૃતિક કૃષિ અંગે અન્ય ખેડૂતમિત્રો જાણે અને અમલ કરે તે માટે સૌ ખેડૂતમિત્રો સુધી પ્રાકૃતિક કૃષિ અંગે માહિતગાર કઈ રીતે કરી શકાય તેના પર ભાર મુક્યો હતો. ડો.વી.કે.પોશિયા (મદદનીશ પ્રાધ્યાપક) અને પ્રો. મહેશ વિસાત (ખેતીવાડી અધિકારી) દ્વારા પ્રાકૃતિક કૃષિમાં વપરાતા જુદા જુદા પ્રકલ્પો જેમકે જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ અને તેના ઉપયોગની વિસ્તૃતમાં માહિતી આપી હતી. કેવીકે ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ થકી ૨૨ કલસ્ટરની ફાળવણી અંતર્ગત ૪૪ કૃષિ સખી/કોમ્યુનિટી રિસોર્સ પર્સન સક્રિય રીતે ભાગ લઈ માર્ગદર્શન મેળવી રહ્યા છે.