MORBI મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાને લઈને એસપીને આવેદનપત્ર પાઠવ્યું

MORBI મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાને લઈને એસપીને આવેદનપત્ર પાઠવ્યું
મોરબીની રવાપર ચોકડી રામભરોસે: પોલીસની રહેમનજરે ‘ટ્રાફિક માફિયા’ બેફામ, જનતા પરેશાન
મોરબીના હાર્ટ સમાન ગણાતા રવાપર ચોકડી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાએ હવે માઝા મૂકી છે. દિન-પ્રતિદિન વણસતી જતી આ સમસ્યા પાછળ પોલીસ તંત્રની ઘોર બેદરકારી અને આડેધડ થતું પાર્કિંગ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલા મહત્વના જંકશન પર ટ્રાફિક નિયમન માટે માત્ર એક-બે ટી.આર.બી. (TRB) જવાનોના ભરોસે કામગીરી છોડી દેવામાં આવી છે, જેને કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
નિયમોના ધજાગરા: બ્લેક કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓનું સામ્રાજ્ય રવાપર ચોકડી પર કાયદો અને વ્યવસ્થા જાણે લુલી પડી ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે. અહીં નંબર પ્લેટ વગરની અને બ્લેક કાચ ધરાવતી અનેક ગાડીઓ બેફામ રીતે રસ્તા વચ્ચે પાર્ક કરી દેવામાં આવે છે. આ તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. જો કોઈ સ્થાનિક નાગરિક કે મહિલા આ ગાડીઓ હટાવવાનું કહે, તો આ શખ્સો ગાળાગાળી કરી મહિલાઓ સાથે પણ ઝઘડો કરતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે.
પ્રજાનો કિંમતી સમય અને ઈંધણનો ધુમાડો પોલીસની ઢીલી નીતિના કારણે સર્જાતા ટ્રાફિક જામમાં લોકોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. મોંઘાદાટ પેટ્રોલ-ડીઝલનો વ્યય થવાની સાથે હવાનું પ્રદૂષણ અને ઘોંઘાટ (Noise Pollution) એટલી હદે વધી ગયો છે કે આસપાસના રહીશોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું પોલીસ માત્ર સામાન્ય જનતાના દંડ ફાડવા માટે જ છે? આ લુખ્ખા તત્વો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? આ તકે તમામ રાજકીય પક્ષોના આગેવાનો અને સામાજિક અગ્રણીઓ તેમજ મોરબી શહેરીજનો ઉપસ્થિત રહ્યા વહેલી તકે ટ્રાફિક સમસ્યાનું કાયમી સમાધાન થાય તેવી માગ કરવામાં આવી









