
ઝઘડિયા પોલીસ મથકમાં નંધાયેલ અપહરણ અને રેપના ગુનામાં બે મહિનાથી વોન્ટેડ આરોપી ભરૂચ એલસીબી એ ઝડપી લીધો
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ મથકમાં નંધાયેલ અપહરણ તથા રેપના ગુનામાં છેલ્લા બે મહિનાથી વોન્ટેડ આરોપીને અમદાવાદ શહેરમાંથી ઝડપી લીધો હતો. જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં નંધાયેલ ગુના હેઠળ વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન અને સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા ટેક્નિકલ સર્વેલન્સના આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમિયાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ ડી.એ.તુવરની ટીમને બાતમી મળેલ કે ઝઘડિયા પોલીસ મથકમાં નંધાયેલ ગુના હેઠળ એક સગીર વયની છોકરીને ભગાડી જનાર આરોપી આકાશ ઠાકોર નામનો ઇસમ છેલ્લા બે મહિનાથી વોન્ટેડ છે અને હાલ તે અમદાવાદ શહેરમાં પાર્વતીનગરમાં છે.મળેલ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદ ખાતે જઇને સદર આરોપીને અમદાવાદના પાર્વતીનગર ખાતેથી ઝડપી લઇને ભરૂચ એલસીબી કચેરી ખાતે લઈ આવીને તેની ઉપરોક્ત ગુના સબંધે પુછપરછ કરતા તેણે ગુનાનો એકરાર કર્યો હતો.એલસીબી ની ટીમે આ સંદર્ભે જરૂરી કાર્યવાહી કરીને ઝડપાયેલ આરોપી આકાશ ભરતભાઇ ઠાકોર હાલ રહે. પાર્વતીનગર વસ્ત્રાલ અમદાવાદ અને મુળ રહે. નવાવાસ ગામ જિ.બનાસકાંઠાનાને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસને સોંપ્યો હતો.



