વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારખાંદિયા ફાટકથી આગળ રંભાસ તરફ જતા વળાંકમાં એક બોલેરો પીકઅપનાં ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં 40 વર્ષીય પુરુષ અને એક વર્ષના બાળકનું મોત નીપજ્યુ હતુ.ભરતભાઈ અવસુભાઈ પવાર (ઉ.વ. આશરે 40, મુળ રહે.ઉગા ગામ (દહેર), તા.સુબીર જિ.ડાંગ. હાલ રહે.દેવીપાડા ગામ, નિશાળ ફળીયુ તા.વઘઇ જિ.ડાંગ) એ પોતાના કબજાની હોન્ડા સાઈન મોટરસાયકલ રજી. નં.GJ -30-C-6294 પર પોતાની પત્ની સુમિત્રાબેન તથા દીકરી રંજનાબેન રણજીતભાઈ પવાર (રહે.દેવીપાડા ) તથા પૌત્ર યુસુફ રણજીત પવાર (ઉ. વ.01 ) સાથે વઘઈ – સાપુતારા રોડ પર આવેલ બારખાંદીયા ફાટકથી આગળ રંભાસ તરફ જતા વળાંકમાંથી પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન મહેન્દ્રા બોલેરો પિકઅપ રજી. નં.GJ -30-T-0542 ના ચાલકે પોતાના હવાલાનો પિકઅપ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દઈ ભરતભાઈ પવારની મોટરસાયકલને સામેથી અથડાવી દેતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભરતભાઈ પવારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેમજ ભરતભાઈ ના પૌત્ર યુસુફ પવારને પણ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.આ અકસ્માતનાં બનાવમાં “નાના- પૌત્ર”નું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.અને રંજનાબેન તથા સુમિત્રાબેનને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પહોંચી હતી.આ બનાવને પગલે રંજનાબેન પવારે વઘઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હાલમાં વઘઈ પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..