ભરૂચ જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૪મી ઓકટોબરના રોજ યોજાશે

સમીર પટેલ, ભરૂચ
***
તા.૨૩ મી ઓકટોબર ૨૦૨૪ ના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
***
ભરૂચ – શનિવાર – ભરૂચ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે તમામ તાલુકાઓમાં મામલતદારશ્રીની કચેરી, તા.૨૩ મી ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે અને જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૪મી ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.
જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદો બે નકલોમાં પુરૂ નામ-સરનામું અને ટેલિફોન/મોબાઇલ નંબરની વિગતો સાથે સંબંધિત કચેરીએ ૧થી ૧૦ તારીખ સુધીમાં રજૂ કરવાની રહેશે. નામ વગરની કે અધુરી વિગતોવાળી અરજીઓ ફાઇલ કરવામાં આવશે.
કોર્ટને લગતી, નીતિ વિષયક અને કર્મચારીને લગતા તથા સેવા વિષયક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે નહીં. વધુ પ્રશ્નો હોય તો પ્રશ્નવાર અને ખાતાવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે. ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌ પ્રથમ ખાતાને અરજી કરેલ હોય અને જે તે ખાતાના વિભાગ મારફતે કોઇ કાર્યવાહી થયેલ ન હોય તથા જે તે વિભાગ દ્વારા કોઇ પ્રત્યુતર મળેલ ન હોય તેવી અરજીઓ જ સ્વાગત કાર્યક્રમ હેઠળ કરવાની રહેશે.
આ અરજી સાથે જિલ્લામાં જે કચેરીમાં અરજી પડતર છે તેમને કરેલી રજૂઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજદારે આ કાર્યક્રમમાં રજૂ કરેલા પ્રશ્નો તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા જ પ્રશ્નો રજૂ કરવાના રહેશે.
આ કાર્યક્રમના ભાગરૂપે ૨૩ મી ઓક્ટોબરના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી ઝઘડીયા તાલુકામાં, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આમોદ તાલુકામાં તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અંકલેશ્વર તાલુકામાં મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. વધુમાં ભરૂચ(સીટી) તાલુકામાં નાયબ કલેકટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી ભરૂચ, હાંસોટ તાલુકામાં નાયબ કલેકટરશ્રી અંક્લેશ્વર, વાલીયા તાલુકામાં જિલ્લા આયોજન અધિકારીશ્રી ભરૂચ, નેત્રંગ તાલુકામાં નાયબ કલેકટરશ્રી ઝઘડિયા, જંબુસર તાલુકામાં નાયબ કલેકટરશ્રી જંબુસર, ભરૂચ(ગ્રામ્ય) તાલુકામાં નાયબ કલેકટરશ્રી ભરૂચ, વાગરા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત), ભરૂચ હાજર રહેશે. તેમ તુષાર ડી.સુમેરા ભરૂચ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
*****



