AHAVADANG

ડાંગ જિલ્લામાં વરસાદી તાંડવનાં પગલે 27થી વધુ માર્ગો અવરોધાતા 50 થી વધુ ગામડાઓ સંપર્કવિહોણા બન્યા..

ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે બારેમેઘ ખાંગા થતા લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણા અને ગીરા નદી ભયજનક સપાટીએ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

*ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે બારેમેઘ ખાંગા થતા લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણા અને ગીરા નદી ભયજનક સપાટીએ.. *

*ડાંગ જિલ્લામાં વરસાદી તાંડવનાં પગલે  શાળા કોલેજોમાં મંગળવારે રજા જાહેર કરવામાં આવી..*

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી બારે મેઘ ખાંગા થતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળવા પામી છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારથી સોમવારે દિવસ દરમ્યાન મેઘો જામતા જ્યાં પણ નજર કરો ત્યાં માત્ર પાણીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.ડાંગ જિલ્લામાં વરસાદી તાંડવનાં પગલે નદી,નાળા,વહેળા, ઝરણાઓ રોદ્ર સ્વરૂપ ધારણ કરી વહી રહ્યા છે.ગતરોજ રવિવારનાં રાત્રીનાં અરસાથી સોમવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા,ચીંચલી,ગારખડી,પીપલદહાડ,સુબિર, લવચાલી, સિંગાણા, મહાલ,બરડીપાડા,ભેંસકાતરી,કાલીબેલ, ઝાવડા, વઘઇ સાકરપાતળ,પીંપરી સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં અનરાધાર વરસાદ પડતા સર્વત્ર રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં તથા ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણા અને ગીરા નદી પ્રથમ વખત જ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.જેમાં નીચાણવાળા ગામડાઓમાં અનેકનાં ઘરોમાં પાણી ભરાયા હતા.જ્યારે અનરાધાર વરસાદનાં પગલે જિલ્લામાં ઠેરઠેર ભેખડો,માટીનો મલબો તથા વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી હતી.

ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં પગલે વઘઇનો ગીરાધોધ અને ગિરમાળનાં ગીરાધોધ સહિત નાના મોટા જળધોધ અખૂટ જથ્થા સાથે નીચે ખાબકતા દ્રશ્યો રમણીય બન્યા હતા.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રીજા દિવસે 27 થી વધુ કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા 50 થી વધુ ગામડાઓ જિલ્લાનાં વહીવટી મથકેથી સંપર્ક વિહોણા બન્યા હતા.જેથી 50 થી વધુ ગામડાઓનું જનજીવન,પશુપાલન, ડેરી વ્યવસાય પ્રભાવિત થયો હતો.સોમવારે અનરાધાર વરસાદને કારણે ડાંગ જિલ્લાનાં 25 જેટલા ગ્રામ્ય માર્ગો અને 2 રાજ્યધોરી માર્ગો અવરોધાયા હતા.જેમાં સુબિર તાલુકાના (1) હિંદળા થી ધુડા રોડ, અને (2) કાકડવિહીર થી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, સહિત આહવા તાલુકાના (1) ચિકટીયા-ગાઠવી રોડ, (2) રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ, (3) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ  રોડ, (4) ભૂરાપાણી-બારીપાડા-ચિરાપાડા રોડ, (5) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ-1, (6) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ-૨, તથા વઘઇ તાલુકાના (1) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧, (3) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (4) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (5) ઘોડવહળ વી.એ.રોડ, (6) આહેરડી-બોરદહાડ રોડ, (7) ચીખલદા વી.એ.રોડ, (8) સુંસરદા વી.એ.રોડ, (9) માનમોડી-બોડારમાળ-નિબારપાડા રોડ, (10) આંબાપાડા વી.એ.રોડ, (11) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, (12) ધાંગડી-કાનત ફળીયા રોડ, (13) ભદરપાડા-ચિચોન્ડ રોડ, (14) દગુનિયા વી.એ રોડ-1, (15) દગુનિયા વી. એ. રોડ-2, (16) ખાતળ માછળી રોડ, તથા (17) બાજ વી.એ રોડ, તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તક વઘઈ તાલુકાનાં (1) બારીપાડા-માનમોડી-સુરગાણા રોડ, અને (2) પિંપરી-કાલીબેલ-ભેંસકાત્રી રોડ સહિત, જિલ્લામાં કુલ 27 રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.———

બોક્ષ:-(1) અનરાધાર વરસાદનાં પગલે ડાંગ જિલ્લાની શાળા કોલેજોમાં મંગળવારે રજા જાહેર કરવામાં આવી.ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલ દ્વારા મંગળવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશેની જાહેરાત કરી હતી.

———બોક્ષ:-(2)ડાંગ જિલ્લાનાં અનેક ગ્રામ્ય માર્ગો અને બે જેટલા રાજય ધોરીમાર્ગ પર ક્યાંક માટીનો મલબો તો ક્યાંક ભેખડો તો ક્યાંક વૃક્ષો ધરાશયી થઈ પડવાનાં બનાવો બનતા જનજીવનને સાવચેતી રાખવા ડાંગ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.ડાંગ જિલ્લાનાં કાકશાળા-નિશાણા માર્ગ સહીત ધવલીદોડ-ઘુબીટા, અને બરડીપાડા-મહાલ માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થતા તેને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તો ઘોઘલી અને તેના ઘાટ માર્ગમાં વરસાદને કારણે રોડ ઉપર નમી પડેલા અને નડતરરૂપ ઝાડોના કટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ ઉપર ધસી આવેલા માટી અને પત્થરોના મલબાને હટાવી રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે વીજ વિભાગ દ્વારા વીજતારો ઉપર પડેલા વૃક્ષોને કારણે ખોરવાયેલી વીજ વ્યવસ્થાને પુનઃ શરુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.વધુમાં ડાંગ કલેક્ટર મહેશ પટેલે પણ વિવિધ વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી.ડાંગ કલેકટર મહેશ પટેલના જણાવ્યા અનુસાર જિલ્લામાં ઉદ્ભવતી કોઈ પણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા એક એસ.ડી.આર.એફ.ની ટીમ જિલ્લાને ફાળવવામાં આવી છે. આ સાથે બચાવ રાહત કામગીરી માટે જિલ્લાના તમામ લાઈન ડીપાર્ટમેન્ટને જાહેર રજાઓમાં પણ કચેરીએ હાજર રહેવાની સુચના સાથે રાઉન્ડ ધ કલોક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમ જણાવ્યું હતુ.——–

બોક્ષ:-(3)અનરાધાર વરસાદી માહોલમાં સાપુતારાથી શામગહાનને જોડતા ઘાટમાર્ગમાં સતત બીજા દિવસે ટ્રક ખોટકાતા કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ વણસી.જન્માષ્ટમીની રજાઓના પગલે ગિરિમથક સાપુતારા હાઉસફુલનાં પાટિયા સાથે ઝૂલી ઊઠ્યુ છે.ત્યારે છેલ્લા ત્રણ દિવસ સુધી રજાઓ હોય જેથી અસંખ્ય પ્રવાસીઓ નાના મોટા વાહનોના કાફલા સાથે સાપુતારા ખાતે ઉમટી પડ્યા હતા.તેવામાં સતત ત્રીજા દિવસે માલવાહક બે જેટલા ટ્રક સાપુતારા ઘાટમાર્ગમાં ખોટકાઈ જતા પ્રવાસી વાહનોની કિલોમીટર સુધીની કતારો જામી હતી. અને સાપુતારા ઘાટમાર્ગમાં કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ વણસતા પ્રવાસી વાહનચાલકોની હાલત કફોડી બની હતી.સાપુતારા ઘાટમાર્ગમાં એકબાજુ અનરાધાર વરસાદ તો બીજી બાજુ ભેખડો ધસવાનો ભય પ્રવાસીઓ માટે વેધક બન્યો હતો.જોકે કલાકોની જહેમત બાદ સાપુતારા પી.આઈ.એન.ઝેડ.ભોયાએ એક સાઈડનો માર્ગ ખુલ્લો કરી માર્ગ પૂર્વરત કરતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 216 મિમી અર્થાત 8.64 ઈંચ,આહવા પંથકમાં 230 મિમી અર્થાત 9.2 ઈંચ, વઘઇ પંથકમાં 242 મિમી અર્થાત 9.68 ઈંચ,જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 251 મિમી અર્થાત 10.04 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Back to top button
error: Content is protected !!