MORBI:મોરબી ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિક વેકરિયાએ કલેક્ટર કચેરી ખાતે પીજીવીસીએલ તથા જેટકોના પ્રશ્નો બાબતે પદાધિકારીો ઉદ્યોગકારો સાથે બેઠક યોજી

MORB Iમોરબી ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિક વેકરિયાએ કલેક્ટર કચેરી ખાતે પીજીવીસીએલ તથા જેટકોના પ્રશ્નો બાબતે પદાધિકારીો ઉદ્યોગકારો સાથે બેઠક યોજી
શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા તથા મોરબી પ્રભારી અને ઉચ્ચ, તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમ છાંગાની પ્રેરક ઉપસ્થિતિ
ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્યમંત્રીશ્રી કૌશિક વેકરિયાએ મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પીજીવીસીએલ, જેટકો તથા ગુજરાત ગેસના વિવિધ પ્રશ્નો બાબતે ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તથા જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રમ, રોજગાર તથા કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા અને મોરબી પ્રભારી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમ છાંગા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં મંત્રીશ્રીએ વિવિધ પ્રશ્નોએ પીજીવીસીએલ, જેટકો તથા ગુજરાત ગેસના અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. તેમણે કોઈપણ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય અને સરકારના નાણાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે પ્રકારની કામગીરી કરવા જણાવ્યું હતું. કોઈ એજન્સી/કોન્ટ્રાક્ટર સમય મર્યાદામાં કામગીરી ન કરે તો તેની સામે તાત્કાલિક પગલાં ભરવા અને બ્લેકલિસ્ટ કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે ડિવિઝન અને સબ ડિવિઝનનું ભૌગોલિક વિસ્તાર મુજબ વિભાજન કરવા માટે યોગ્ય આયોજન હાથ ધરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી.
પ્રભારી મંત્રીશ્રી ત્રિકમ છાંગાએ અધિકારીઓને વહીવટી કે ટેકનિકલ કામગીરીમાં કોઈપણ ક્ષતિઓ હોય તો તે તાત્કાલિક નિવારવા તથા લોકો પ્રત્યે હંમેશા સંવેદનશીલ અભિગમ દાખવી કામગીરી કરવા સૂચન કર્યું હતું.
મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ પણ જણાવ્યું હતું કે, આ બેઠક દરમિયાન રજૂ કરવામાં આવેલા પ્રશ્નો બાબતે શક્ય તેટલી ઝડપે કામગીરી હાથ ધરી તેનું નિરાકરણ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ તથા વિવિધ ઔદ્યોગિક એસોસિએશન્સ દ્વારા પીજીવીસીએલ, જેટકો તેમજ ગુજરાત ગેસ સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરી, પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરશ્રી કેતન જોશી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર, મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરશ્રી ડી.આર.ઘાડીઆ, જેટકો તથા ગુજરાત ગેસના અધિકારીઓ કર્મચારીઓ, વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને ઉદ્યોગકારો તથા જિલ્લાના અન્ય પદાધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.








