MORBI:મોરબી નગરપાલિકા ભાજપ શાસિત કલમ ૪૫(ડી) હેઠળ કરવામાં આવેલા કામોના સંપૂર્ણ અહેવાલની વિગતોની માંગ કરતી ક્રોંગ્રેસ સમિતિ
MORBI:મોરબી નગરપાલિકા ભાજપ શાસિત કલમ ૪૫(ડી) હેઠળ કરવામાં આવેલા વિવિધ કામોના સંપૂર્ણ અહેવાલની વિગતોની માંગ કરતી ક્રોંગ્રેસ સમિતિ
મોરબી નગરપાલિકા સુપરસીડ થયા પહેલા ભાજપ શાસિત પાલિકામાં પૂર્વ પ્રમુખ દ્વારા આવશ્યક સંજોગોમાં કલમ ૪૫(ડી) મુજબ કરવામાં આવેલા કરોડો રૂપિયાના કામો ખરેખર આવશ્યક સંજોગોમાં કરવામાં આવ્યા હતા કે કલમ ૪૫(ડી)નો ખોટો ઉપયોગ કરી પ્રજાના પૈસા ખોટી રીતે વાપરવામાં આવ્યા છે? અને જો ક્યાંય ભ્રષ્ટાચાર થયો હોય તો દોષીતો પાસેથી આ ખર્ચની રિકવરી કરી કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી પાલિકાના વહીવટદારને જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા માંગ કરી લેખિત રજુઆત કરવામાં આવી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ દ્વારા લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી નગરપાલિકાની છેલ્લી ચુંટણી બાદ મોરબી નગરપાલિકામાં ભાજપની સંપૂર્ણ બહુમતી હતી અને ૫૨(બાવન)બેઠક ઉપર ભાજપના સભ્યો ચુંટાયા હતા. ત્યારબાદ નગરપાલીકા વિસ્તારની અંદર કરવામાં આવેલા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના લીધે લોકો આજે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે. ત્યારે આવશ્યક સંજોગોમાં કલમ ૪૫(ડી) હેઠળ મોરબી નગરપાલિકા વિસ્તારની અંદર પાલિકાના પ્રમુખ સહિતના સભ્યો દ્વારા જુદા જુદા વોર્ડની અંદર લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના કામ કરાવવામાં આવ્યા છે. જો કે તે કામ ખરેખર કલમ ૪૫(ડી) હેઠળ કરાવી શકાય કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. જેથી કરીને આ બાબતે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય અને જો પ્રજાના પૈસા ખોટી રીતે વા૫૨વામાં આવ્યા હોય તો પ્રમુખ સહિતના તમામ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તે તમામ લોકોની પાસેથી ૪૫(ડી) ની કલમ હેઠળ કરવામાં આવેલા કામોના ખર્ચની સો ટકા રિકવરી કરવામાં આવે તેવી મોરબીની જનતા વતી માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત મોરબી નગરપાલિકા વહીવટદાર અધિકારી પાસે લેખિત રજુઆતમાં વિવિધ કામોની વિગતો અને તપાસની માંગણી કરવામાં આવી છે જેમાં પાલીકામાં ભાજપની સતા આવી ત્યાર પછી ૪૫(ડી) હેઠળ કેટલા કામ કરવામાં આવ્યા છે ? કયા વોર્ડની અંદર ૪૫(ડી) હેઠળ કેટલા કામો કરવામાં આવ્યા છે ? તથા ૪૫(ડી)ની કલમ હેઠળ કયા સંજોગોમાં અને કયા કારણોસર કામ કરાવી શકાય છે? જો ૪૫(ડી) ની કલમ હેઠળ ન સમાવી શકાય તેવા કામ આ કલમ હેઠળ કરવામાં આવ્યા હોય તો ક્યા પ્રકારના પગલા પાલિકાના અધિનિયમ મુજબ લઈ શકાય છે ? તેમજ મોરબી પાલીકા વિસ્તારની અંદર ભાજપના શાસન દરમિયાન ૪૫(ડી) કલમ હેઠળ બેફામ કામગીરી કરવામાં આવી તે કોના ઈશારે થતી હતી ? મોરબી નગરપાલીકાના સતાધિશો દ્વારા કલમ ૪પ(ડી) હેઠળ કયા કયા કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ? આ ઉપરાંત પાલીકાના અધિનિયમ મુજબ કલમ ૪૫(ડી) નો ઉપયોગ કોણ કરી કે કરાવી શકે અને ક્યારે કરાવી શકે છે ? તથા મોરબી પાલીકામાં ૫૨ સભ્યો સાથે ભાજપની સતા આવી ત્યારથી લઈને પાલીકા સુપરસીડ કરવામાં આવી ત્યાં સુધીમાં ૪૫(ડી) હેઠળ કરવામાં આવેલા કામોનું લીસ્ટ ખર્ચની વિગત સાથે આપવાની માંગ કરાઈ હતી. પાલીકામાં ૪૫(ડી) કલમ હેઠળ લેવામાં આવેલ પરંતુ ન કરવામાં આવેલા કામોનું લિસ્ટ તેના ખર્ચની વિગત સાથે આપવું. જે કામોને પાલીકાની બોડી સુપરસીડ થયા પછી રોકી દેવામાં આવ્યા તે કામ કોની સુચનાથી બંધ કર્યા હતા ? જો ખોટી રીતે પાલીકાના ભાજપના સતાધિશોએ કલમ ૪૫(ડી) નો ઉપયોગ કર્યો હોય તો પાલીકાએ અત્યાર સુધીમાં શું પગલા લીધા છે. તેની સંપૂર્ણ વિગત આપવા સહિતની માંગ કરવામાં આવી હતી.આ સાથે ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાને લઈ માંગેલ વિગતો દિન-૧૫ માં પુરી કરવા વિનંતી સાથે ચીમકી ઉચ્ચારવામા આવી છે કે જો ઉપરોક્ત વિગતો દિન-૧૫ માં પુરી પાડવામાં નહીં આવે તો નાછુટકે અમારે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે. જેમાં ઉપસ્થિત થનાર પરિણામોની જવાબદારી આપની કચેરીની રહેશે તેમ જણાવ્યું હતું.