MORBI:મોરબી ભાજપમાં ટિકિટનો જંગ: ૧૦૦૭ દાવેદારો મેદાનમાં, પણ માળિયા નગરપાલિકામાં કેમ છે ‘સન્નાટો’?

MORBI:મોરબી ભાજપમાં ટિકિટનો જંગ: ૧૦૦૭ દાવેદારો મેદાનમાં, પણ માળિયા નગરપાલિકામાં કેમ છે ‘સન્નાટો’?
મોરબી: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મોરબી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત ત્રણ દિવસીય ‘સેન્સ’ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે કાર્યકરો અને નેતાઓના ભારે જમાવડા વચ્ચે કુલ ૧૦૦૭ દાવેદારો ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. જોકે, આ આખી પ્રક્રિયામાં માળિયા (મી.) નગરપાલિકા સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે ત્યાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા માટે એક પણ દાવેદારે દાવેદારી નોંધાવી નથી.
મોરબી જિલ્લામાં સત્તા મેળવવા માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલી સેન્સ પ્રક્રિયામાં નીચે મુજબના આંકડા સામે આવ્યા છે:
કુલ દાવેદારો: ૧૦૦૭ જિલ્લા પંચાયત, ૫ તાલુકા પંચાયત, ૨ નગરપાલિકા અને મહાનગરપાલિકા.માળિયા (મી.) નગરપાલિકામાં આશ્ચર્યજનક સ્થિતિ જ્યાં એક તરફ ૧૦૦૦થી વધુ લોકો ચૂંટણી લડવા તત્પર છે, ત્યાં માળિયા નગરપાલિકા માટે ભાજપમાંથી એક પણ ફોર્મ ન આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.વર્ષ ૨૦૨૧ની ચૂંટણીમાં માળિયા નગરપાલિકાની તમામ ૨૪ બેઠકો પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે મોરબી નગરપાલિકાની તમામ ૫૨ બેઠકો ભાજપે અંકે કરી હતી. એક તરફી પરિણામો આપતી આ નગરપાલિકામાં આ વખતે પણ ભાજપ તરફથી કોઈ દાવેદાર સામે ન આવતા લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, શું ભાજપ અહીં ઉમેદવારો ઉતારશે કે પછી કોંગ્રેસને આ નગરપાલિકા ‘થાળીમાં શણગારીને’ ભેટમાં આપી દેવામાં આવશે.? રાજકીય વિશ્લેષકોમાં એવી પણ ચર્ચા છે કે શું આ કોઈ આંતરિક રણનીતિનો ભાગ છે કે પછી ખરેખર કોઈ કાર્યકર અહીંથી ચૂંટણી લડવા તૈયાર નથી? ભાજપ જેવા શિસ્તબદ્ધ અને મજબૂત સંગઠન ધરાવતા પક્ષમાં એક આખી નગરપાલિકા માટે ઉમેદવાર ન મળવા તે બાબત અનેક સવાલો ઉભા કરે છે.
આગામી સમયમાં ભાજપ હાઈકમાન્ડ આ બાબતે શું નિર્ણય લે છે અને માળિયામાં કેસરિયો લહેરાશે કે પંજો પોતાનું વર્ચસ્વ ટકાવી રાખશે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.










