MORBI:મોરબી: કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે આરએસએસની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ ૪૦ ગ્રામ ચાંદીનો સ્મારક સિક્કો જારી કર્યો

MORBI:મોરબી: કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે આરએસએસની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ ૪૦ ગ્રામ ચાંદીનો સ્મારક સિક્કો જારી કર્યો
મોરબી: કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે આરએસએસની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ ૪૦ ગ્રામ ચાંદીનો સ્મારક સિક્કો જારી કર્યો છે, જેમાં પહેલી વાર ભારત માતાની છબી દર્શાવવામાં આવી છે. મોરબીના જાણીતા સંગ્રાહક મિતેષ દવેએ આ ઐતિહાસિક સિક્કો પોતાના સંગ્રહમાં ઉમેર્યો છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની શતાબ્દી નિમિત્તે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા એક વિશેષ અને દુર્લભ સ્મારક સિક્કો જારી કરવામાં આવ્યો છે, જે દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યો છે. આ સિક્કાની સૌથી ખાસ વાત એ છે કે ભારતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ ચલણી સ્મારક સિક્કા પર ભારત માતાનું ભવ્ય ચિત્ર દર્શાવવામાં આવ્યું છે, જે રાષ્ટ્રીય ગૌરવ અને માતૃભૂમિ પ્રત્યેની ભક્તિનું પ્રતિક સ્વરૂપ કહી શકાય. મોરબીના રહેવાસી તથા જાણીતા સિક્કા સંગ્રાહક એડવોકેટ મિતેષ દવેએ આ અનોખો સિક્કો પોતાના અંગત સંગ્રહમાં ઉમેરવા સફળતા મેળવી છે. ગુજરાતમાં કોઈ ખાનગી સંગ્રાહક પાસે સૌપ્રથમ આ સિક્કો પહોંચ્યો હોવાનો ગૌરવ તેમને મળ્યો છે. આ સાથે તેઓએ જણાવ્યું કે, “આ સિક્કો માત્ર ધાતુનો ટુકડો નથી, પરંતુ રાષ્ટ્રીય ભાવના, દેશભક્તિ અને ઐતિહાસિક સંવેદનાને દર્શાવતો એક અમૂલ્ય ખજાનો છે. સિક્કો રજૂ થતા જ સમગ્ર દેશના સંગ્રાહકોમાં તેને મેળવવા માટેનું જોવા મળ્યું હતું.”
આ સ્મારક સિક્કો ખાસ ટંકશાળમાં મર્યાદિત સંખ્યામાં બનાવવામાં આવ્યો છે. ૪૦ ગ્રામ શુદ્ધ ચાંદીથી બનેલા આ સિક્કાની એક બાજુ પર અશોકનું પ્રતિક છે, જ્યારે બીજી બાજુ ભારત માતાનું ચિત્ર અને આરએસએસના પ્રતીકનું અદ્ભુત કલાત્મક દર્શન કરવામાં આવ્યું છે. મિતેષ દવેના જણાવ્યા મુજબ, ૧૯૬૪ પછી અત્યાર સુધી જારી થયેલા તમામ સ્મારક સિક્કાઓમાં આ સિક્કાનું પેકેજિંગ સૌથી અનોખું છે. પુસ્તકના રૂપમાં તૈયાર કરાયેલું આ પેકેજિંગ સંગ્રાહકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે, અને આ ફોર્મેટનો ઉપયોગ ભારતીય સ્મારક સિક્કા ઇતિહાસમાં પ્રથમ વખત થયો છે. એડવોકેટ દવેએ આ સિક્કા સાથે આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે જારી કરાયેલી વિશેષ ટપાલ ટિકિટ પણ પોતાના સંગ્રહમાં ઉમેરી છે, જેના દ્વારા તેમણે રાષ્ટ્રીય ભાવના પ્રત્યેની તેમની અખંડ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.








