GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કેન્દ્રીય બજેટ-૨૦૨૬મા સિરામિક ઉદ્યોગની માળખાકીય સુવિધાઓ બાબતે, કેન્દ્રીય નાણામંત્રીને લેખિત રજૂઆત

MORBI:મોરબી કેન્દ્રીય બજેટ-૨૦૨૬મા સિરામિક ઉદ્યોગની માળખાકીય સુવિધાઓ બાબતે, કેન્દ્રીય નાણામંત્રીને લેખિત રજૂઆત

 

 

 

મોરબી સિરામિક મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનને પત્ર લખી કેન્દ્રીય બજેટ-૨૦૨૬માં સિરામિક ઉદ્યોગ માટે કર દરોમાં તર્કસંગતતા, ઊર્જા ખર્ચમાં રાહત, નાણાકીય સહાય અને સંસ્થાગત માળખાકીય સુવિધાઓ આપવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને GST ૧૮%માંથી ૫% કરવા, નેચરલ ગેસને GST હેઠળ સમાવવાનો તેમજ મોરબી-રાજકોટ ક્લસ્ટરમાં અદ્યતન R&D અને તાલીમ સુવિધાઓ સ્થાપવાની મહત્વપૂર્ણ માગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી છે.

લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર, મોરબી-રાજકોટ સિરામિક ક્લસ્ટર આજે વિશ્વના સૌથી મોટા સિરામિક ઉત્પાદન કેન્દ્રોમાં સ્થાન પામ્યું છે. ભારતના ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ, રોજગાર સર્જન અને MSME આધારિત આર્થિક વિકાસમાં આ ક્લસ્ટરનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં મોરબી સિરામિક મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનને પત્ર લખી કેન્દ્રીય બજેટ-૨૦૨૬ માટે ઉદ્યોગ-હિતની રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સિરામિક ઉદ્યોગને ઊંચા ઊર્જા ખર્ચ, ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર, વૈશ્વિક માંગમાં મંદી, વધતા લોજિસ્ટિક્સ ખર્ચ, પર્યાવરણીય અનુપાલનનું દબાણ તથા સસ્તી નાણાકીય સુવિધાઓની અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને MSME એકમો માટે હાલની પરિસ્થિતિ વધુ પડકારરૂપ બની છે. એસોસિએશને પ્રથમ અને મહત્વપૂર્ણ માગણી તરીકે સિરામિક ઉત્પાદનો પર લાગુ ૧૮% GST દર ઘટાડીને ૫% કરવા રજૂઆત કરી છે. તેમનું માનવું છે કે GST ઘટાડવાથી હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં માંગ વધશે, કરચોરીમાં ઘટાડો થશે અને MSME એકમોને રોકડ પ્રવાહમાં રાહત મળશે.

બીજી મહત્વની માગણી તરીકે નેચરલ ગેસને GSTના દાયરામાં લાવવાની અપીલ કરવામાં આવી છે. હાલ ગેસ GST બહાર હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતો નથી, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. ગેસને GST હેઠળ સમાવવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે અને વૈશ્વિક બજારમાં ભારતીય સિરામિક ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનશે. આ ઉપરાંત મોરબી-રાજકોટ સિરામિક ક્લસ્ટરમાં CGCRI (સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) સમાન અદ્યતન ટેસ્ટિંગ, R&D અને પ્રમાણપત્ર લેબોરેટરી સ્થાપવાની માગ કરવામાં આવી છે. આ સાથે સ્કિલ ડેવલપમેન્ટ, ગુણવત્તા નિયંત્રણ અને ઉત્પાદન નવીનતા માટે તાલીમ કેન્દ્રો શરૂ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. એસોસિએશને ઊર્જા ખર્ચમાં રાહત માટે ગેસ અને વીજળી પર રિયાયતી ઔદ્યોગિક દરો, કૅપ્ટિવ સોલાર પાવર, વેસ્ટ હીટ રિકવરી અને ગ્રીન ટેકનોલોજી માટે મૂડી તથા વ્યાજ સહાયની માગ કરી છે. સાથે જ MSME સિરામિક એકમો માટે લોન રી-સ્ટ્રક્ચરિંગ, વર્કિંગ કેપિટલ પર વ્યાજ સહાય અને CGTMSE ગેરંટી મર્યાદામાં વધારો કરવાની રજૂઆત કરાઈ છે. નિકાસ પ્રોત્સાહન માટે RoDTEP હેઠળ યોગ્ય દરો, મોરબી-રાજકોટ ક્લસ્ટર માટે સમર્પિત લોજિસ્ટિક્સ પાર્ક અથવા ICD (ડ્રાય પોર્ટ) તથા રેલ અને બંદર મારફતે નિકાસ પર ફ્રેટ રિબેટની પણ માગ કરવામાં આવી છે.પત્રના અંતમાં જણાવાયું છે કે મોરબી-રાજકોટ સિરામિક ક્લસ્ટર માત્ર એક ઉદ્યોગ નહીં પરંતુ ભારત માટે વૈશ્વિક ઔદ્યોગિક સંપત્તિ છે. GSTમાં ઘટાડો, નેચરલ ગેસને GST હેઠળ લાવવો અને સંસ્થાગત માળખું મજબૂત કરવાના પગલાં લાંબા ગાળે ઉદ્યોગની સ્પર્ધાત્મકતા, ટકાઉ વિકાસ, રોજગાર સર્જન અને નિકાસ વૃદ્ધિને સુનિશ્ચિત કરશે. એસોસિએશને કેન્દ્રીય બજેટ-૨૦૨૬માં રાષ્ટ્રહિતમાં આ રજૂઆતો પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરવાની વિનંતી કરી છે.

Back to top button
error: Content is protected !!