MORBI:વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ આર્થિક ઉપાર્જન સાથે પ્રકૃતિના સંવર્ધન માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય
MORBI:વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ આર્થિક ઉપાર્જન સાથે પ્રકૃતિના સંવર્ધન માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય
પ્રાકૃતિક ખેત પેદાશોને જરૂરી બજાર અને પૂરતા ભાવ મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ
પ્રવર્તમાન સમયમાં જમીન અને કુદરતના સંવર્ધન માટે દેશમાં સૌથી વધુ જરૂરિયાત પ્રાકૃતિક ખેતીની છે. દેશ આઝાદ થયો ત્યારે અન્ન ઉત્પાદનમાં આત્મનિર્ભરતા કેળવવા તે વખતના કૃષિ વૈજ્ઞાનિકોએ જરૂરિયાત અનુસાર નાઇટ્રોજનના છંટકાવની ભલામણ કરી હતી. આજે આપણે એક એકરમાં થેલા ભરીને ભરીને રાસાયણિક ખાતર ઠાલવીએ છીએ. યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ જેમ જેમ વધ્યો છે, તેમ તેમ ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. રાસાયણિક ખાતરની માત્રા વધારવાથી ઉત્પાદનમાં વૃદ્ધિ થવાની નથી. જમીનની ફળદ્રુપતા વધારવી પડશે અને એ માત્ર અને માત્ર પ્રાકૃતિક ખેતીથી જ સંભવ છે.
જમીનમાં ફળદ્રુપતા વધારવા પ્રાકૃતિક કૃષિને જરૂરી પ્રાધાન્ય આપવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પ્રયાસોથી દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ અનેક ખેડૂતોએ પરંપરાગત ખેતી મૂકી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. હજુ અન્ય ખેડૂતો પ્રાકૃતિક તરફ વળે તે માટે વિવિઘ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પ્રાકૃતિક કૃષિથી અનેક લાભ થાય છે, જમીન ફળદ્રુપ થતા જળ સ્તર ઉપર આવે જેથી સિંચાઈમાં પણ લાભ થાય છે. પ્રકૃતિનાં જતનથી જમીન તથા આપણું બંનેનું સ્વાસ્થ્ય સારું રહે છે, રસાયણોથી ભરપૂર ખાતર જમીનનાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. બીજું કે આ પદ્ધતિ ખર્ચાળ તો છે જ સાથોસાથ તેનાથી લોકોનાં સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચી રહ્યું છે તેની સામે પ્રકૃતિનાં જતનનાં ધ્યેય સાથે પ્રાકૃતિક કૃષિ તમામ બાબતોમાં શ્રેષ્ઠ છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થકી ઉત્પાદિત થતાં અનાજ-ફળ-શાકભાજી સહિતનાં ખેતપેદાશોને જરૂરી બજાર અને ભાવ મળી રહે તે માટે પણ સરકાર દ્વારા વિવિઘ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
દેશી ગાયના એક ગ્રામ છાણમાં કરોડો સૂક્ષ્મ જીવાણુંઓ હોય છે જે જમીનને જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડીને જમીનની ફળદ્રુપતા વધારવામાં અને જમીનની ગુણવત્તા જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રાકૃતિક કૃષિ એ બિનખર્ચાળ પદ્ધતિ છે, સારું ઉત્પાદન, પાણીની બચત, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન સહિતનાં અનેક લાભો પ્રાકૃતિક ઢબે કૃષિ કરવાથી મળે છે.