ભરૂચ: જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, 125 થી વધુ બાળકોને યુનિફોર્મ અપાયા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં સેવાભાવી કાર્યો માટે જાણીતી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટએ ફરી એકવાર માનવતાની સુગંધ ફેલાવી છે. ટ્રસ્ટ દ્વારા જુના તવરા ગામે આવેલી ઝેડ.જે. પટેલ સરસ્વતી વિદ્યાલયના આર્થિક રીતે નબળા, આશ્રમ શાળાના અને નિરાધાર વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ ‘શિક્ષા’ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ 9 અને 11 ના 125 થી વધુ વિદ્યાર્થીઓને નવા યુનિફોર્મ આપવામાં આવ્યા. આ યુનિફોર્મ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર શૈક્ષણિક સહાય પૂરી પાડવાનો જ નહોતો, પરંતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસ વધારવાનો, શિસ્ત કેળવવાનો અને તેમને સમાજમાં સમાનતા સાથે આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાનો પણ હતો. કાર્યક્રમની શરૂઆત ગણપતિ આરતી સાથે કરવામાં આવી. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા પોતાના હાથે બનાવેલી 20 થી વધુ ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું પ્રદર્શન પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જેને ઉપસ્થિત સૌએ ખૂબ જ બિરદાવી.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જીગ્નાસા ગોસ્વામી, તથા શાળાના પ્રિન્સિપાલ પ્રગ્નેશ શાહ સહિત મોટી સંખ્યામાં દાતાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ જન હિતાર્થ ટ્રસ્ટના શિક્ષણક્ષેત્રેના કાર્યોને બિરદાવ્યા હતા અને કહ્યું કે શિક્ષણ એ જ સમાજના વિકાસની ચાવી છે. કાર્યક્રમની સૌથી મોટી સફળતા એ હતી કે યુનિફોર્મ મેળવતા બાળકોના ચહેરા પર સ્પષ્ટપણે ખુશી, તેમની આંખોમાં ઝળહળતો આનંદ અને ભવિષ્ય પ્રત્યેની નવી આશાઓ જોવા મળી હતી. ટ્રસ્ટના ઉપપ્રમુખ જીગ્નાસા ગોસ્વામીએ જણાવ્યું હતું કે સંસ્થા હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદો માટે કાર્યરત રહી છે અને ભવિષ્યમાં પણ મહિલા સશક્તિકરણ, બાળ શિક્ષણ અને પોષણ જેવા મુદ્દાઓ પર વધુ વ્યાપક સેવાકીય કાર્યો હાથ ધરશે. તેમણે દાતાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ સેવાયજ્ઞે વિદ્યાર્થીઓને માત્ર યુનિફોર્મ જ નહીં, પરંતુ નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ આપી છે.



