મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનાર ઝડપાયો:ભરૂચના નેશનલ ટ્રેડ સેન્ટરની બે દુકાનમાંથી લેપટોપ-મોબાઈલની ચોરી, CCTV ફૂટેજથી પકડાયો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં બે મોબાઈલની દુકાનમાંથી થયેલી ચોરીના કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. એ ડિવિઝન અને એલસીબી પોલીસે ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ અંતર્ગત લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને પકડ્યો છે. 22મી માર્ચે રાત્રે ચાર વાગ્યે બીએસએનએલ ઓફિસ સામેના નેશનલ ટ્રેડ કોમ્પ્લેક્ષમાં એસએચકે સ્માર્ટ ટેક દુકાનમાંથી 88,990 રૂપિયાની ચોરી થઈ હતી. આ ચોરીમાં એચપી લેપટોપ, ઈયરબડ્સ અને સ્માર્ટ વોચની ચોરી થઈ હતી.
27મી માર્ચે સવારે પાંચ વાગ્યે એ જ કોમ્પ્લેક્ષમાં રાઝા મોબાઈલની દુકાનમાંથી 25,000 રૂપિયાની ચોરી થઈ હતી. આમાં એચપી લેપટોપ, સેમસંગ મોબાઈલ અને બે ટેબલેટની ચોરી થઈ હતી. પોલીસ ઈન્સપેક્ટર વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી. 1લી એપ્રિલે પેટ્રોલિંગ દરમિયાન મોપેડ પર આવેલા શંકાસ્પદ વ્યક્તિને રોકવામાં આવ્યો. આરોપી મહોમદ ઉર્ફે ઝૈદ ઉમરજી પટેલ પાસેથી કટર મશીન અને હથોડી મળી આવી હતી. પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી 56,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.




