MORBI:મોરબીમાં ગણેશ ઉત્સવ સમિતિ ના આયોજકો સામે વિસર્જન અંગે જાહેરનામા ભંગના ગુન્હા મુદ્દે : ડીવાયએસપીને સ્પષ્ટતા, કાયદો કોઈના બાપની જાગીર નથી!
મોરબીમાં ગણેશ ઉત્સવ સમિતિ ના આયોજકો સામે વિસર્જન અંગે જાહેરનામા ભંગના ગુન્હા મુદ્દે : ડીવાયએસપીને સ્પષ્ટતા, કાયદો કોઈના બાપની જાગીર નથી
મોરબી કંડલા બાયપાસ ઉપર મચ્છુ -3 ડેમમાં પ્રતિબંધ હોવા છતાં ગણેશ વિસર્જન કરનાર બે આયોજકો વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગ મામલે ગુન્હો નોંધાતા સિદ્ધિ વિનાયક કા રાજા અને મયુરનગરી કા રાજાના આયોજકોએ દ્વારા પત્રકાર પરિષદ યોજી ડીવાયએસપી વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા સાથે જ અરવિંદ બારૈયાએ તેમનો પુત્ર અભિનેતા હોય તેમને બદનામ કરવા અને અમારી છબી ખરડાવા જ પોલીસે દગો કરી ગુન્હો દાખલ કરી હિન્દૂ સમાજની લાગણીને ઠેસ પહોચાડી હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ડીવાયએસપી પી.એ.ઝાલાએ પણ પોતાનો પક્ષ રાખ્યો હતો અને સ્પષ્ટ કહ્યું કે કાયદો કોઈના બાપની જાગીર નથી. તમામ લોકોએ કાયદાનું પાલન કરવું જ જોઈએ. હજુ પણ તમામ વિડીયો અને ઘટનાની તપાસ ચાલુ છે. જ્યાં કાયદો હાથમાં લેવાયો હશે તે પ્રમાણે ગુનો નોંધાશે.ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યું કે કલેકટર દ્વારા ગણપતિ વિસર્જન સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ગણેશ વિસર્જનમાં પીવાના પાણી કે સિંચાઈમાં લેવાતા પાણીના જળ સ્ત્રોત જેવા કે નદી, તળાવ કે ડેમ ઉપયોગ કરવો નહી. નગરપાલિકા દ્વારા ચોક્કસ જગ્યાઓ નક્કી કરવામાં આવશે. જે અન્વયે નગરપાલિકાએ કુલ 4 કલેક્શન સેન્ટર અને એક કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરી હતી.સિટી એ ડિવિઝન પોલીસે 8 ફૂટથી મોટી મૂર્તિ વાળા તમામ આયોજકોને લેખિત સૂચના પણ આપી હતી. આ ઉપરાંત માણસો ડૂબી જવાની ઘટનાઓ બની હોય, સરકારના સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા લેખિત સૂચના હતી કે વિસર્જન માટે ચોક્કસ જગ્યા નક્કી કરવી, તે સિવાયના સ્થળોએ વિસર્જન કરવા દેવું નહિ. પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવો જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને નહિ. જે અન્વયે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તા.17ના રોજ પીકનીક સેન્ટર ખાતે 565 મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે વેળાએ વહીવટી ટિમ, મેડિકલ ટિમ અને ફાયર ટિમ ઉપસ્થિત હતી.ડીવાયએસપીએ જણાવ્યું કે સિદ્ધિ વિનાયક કા રાજા અને મયુરનગરી કા રાજા આ બે ગણેશ મહોત્સવના આયોજકોને નિયત સમય 10 વાગ્યા સુધીનો ફાળવવામાં આવ્યો હતો. કલેકટર દ્વારા મંજૂરી આપવામાં આવી તેમાં જ નિયત સમય ફાળવવામાં આવ્યો હતો. તેમ છતાં તે નિયત સમયમાં વિસર્જન સ્થળે આવ્યા ન હતા. બાદમાં તેઓ મોડી રાત્રે 2:30 વાગ્યે મચ્છુ 3 ડેમ જેનું પાણી મોરબી અને માળિયા તાલુકામાં સિંચાઈમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાં ગયા હતા. ત્યાં મિનિમમ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ત્યાં તેઓએ ક્રેન વડે તેમની શ્રીજી બાપાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. તેના કારણે આ બાબતે 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ બન્ને ગુનાઓની તપાસ ચાલુ છે. અનેક વિડીયો મળ્યા છે. તેની પુષ્ટિ કરવામાં આવશે. જેમાં કાયદો હાથમાં લેતા કોઈ જણાશે તો તેની સામે ગુનો દાખલ કરાશે. વધુમાં તેઓએ કહ્યું કે હાલ સુધી કોઈ ક્રેન સંચાલક અમારી સમક્ષ ફરિયાદ કરવા આવ્યા નથી.
ડીવાયએસપીએ જણાવ્યું કે કાયદો કોઈના બાપની જાગીર નથી. તમામ લોકોએ કાયદાનું પાલન કરવું જ જોઈએ. કોઈ ધર્મનું આડ લઈને ખોટી રીતે છુપાઈને બચવા માંગતું હશે તો નહીં બચી શકે. જાહેરનામામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે 12 ફૂટથી મોટી મૂર્તિ કોઈએ રાખવાની નથી. જો કાયદાનું પાલન ન કરો અને પછી ખોટા બહાના કાઢવામાં આવે તે યોગ્ય નથી.ડીવાયએસપી પી.એ.ઝાલાએ કહ્યું કે રૂટ પૂર્ણ થઈ ગયો, બાદમાં તેઓને અટકાવવા માટે પોલીસ દ્વારા ઘણા ઘર્ષણ ચાલ્યા હતા. પોલીસે તેમને અટકાવવાની ઘણી કોશિશ કરી હતી. પણ કાયદો હાથમાં લેવાનું તેઓએ નિમ જ લીધું હતું. તેમ પોતાની મન મરજીથી તેઓની સાથે જે લોકો હતા તેના જીવ જોખમમાં મૂકી જે જગ્યાએ ફાયર ટિમ, સેફટી ટિમ, મેડિકલ ટિમ ન હતી. ત્યાં જઈને વિસર્જન કર્યું. ફાયરના કોઈ જવાનને ત્યાં ડ્યુટી આપ્યાનું રેકોર્ડ ઉપર નથી.
ડીવાયએસપી પી.એ.ઝાલાએ કહ્યું કે 565 શ્રીજીની મૂર્તિનું વિસર્જન કર્યું તેમાંથી કોઈની લાગણી દુભાઈ નથી.વધુમાં તેઓએ કહ્યું કે હું પોતે જન્મથી હિન્દૂ ક્ષત્રિય છું. જે ધાર્મિક લાગણી દુભાવવાની વાતો કરી રહ્યા છે. તેનાથી વધારે વેદ અને શાસ્ત્રોનો જાણકાર હું છું. જે શ્રીજી બાપાની તેઓ વાત કરે છે. નારદ મુનિએ શાસ્ત્રોમાં શ્રીજી બાપાના 12 નામો જણાવ્યા છે તેમને પૂછી લેજો આ નામો, તે નામો જણાવી શકે તો મને કહેજો, બાકી મને રાત્રે 2:30 વાગ્યે પણ પૂછજો, એ નામ અને નારદ મુનિએ જે શ્લોકો જણાવ્યા છે તે મને કંઠસ્થ છે. ધાર્મિક લાગણીની વાત છે તો તે જાહેરાતોના પૈસા ઉઘરાવવાથી, આરતી માટે ઉદ્યોગપતિઓને બોલાવી પૈસા ઉઘરાવવાથી કે પછી ખાણી-પીણીના સ્ટોલ ભાડે આપી પૈસા ઉઘરાવવા તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, ધાર્મિક પ્રવૃત્તિ ન કહેવાય ડીવાયએસપી ઝાલાએ જણાવ્યું કે એક ઉદાહરણ આપું છું, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી 20 વર્ષથી શ્રીજીબાપાની મૂર્તિની સ્થાપના કરે છે. દર વખતે તેઓ ચોક્કસ તળાવમાં જ વિસર્જન કરે છે. પણ આ વખતે તેઓએ કલેકટર સૂચના, સરકારની ગાઇડલાઈન અને પોલીસની વાતને ધ્યાને લઈને કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાવ્યું હતું. આમ તેઓએ પણ કાયદાનું પાલન કર્યું છે.ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યું કે રાત્રીના સમયે તે લોકોએ ફોન કર્યો ત્યારે અધિક કલેકટર અને અમે સ્પષ્ટ કહ્યું હતું કે અમે 565 મૂર્તિઓનું વિસર્જન કર્યું છે. તમારી મૂર્તિનું પણ વિસર્જન કરાવી આપીએ. ખાતરી આપી હતી. અમે એક એક પીસીઆર વાન પણ તેમની સાથે આવવા માટે મોકલી હતી. પણ તેઓએ અમોને ક્યાંય સહકાર આપ્યો નથી.