ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત EVMએ જાતે સુપ્રીમ કોર્ટમાં સાબિત કર્યું કે મારા પરિણામ પર વિશ્વાસ ના કરો !!!

દેશના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત, સુપ્રીમ કોર્ટે હરિયાણાના પાણીપત જિલ્લાના બુઆના લાખુ ગ્રામ પંચાયતની સરપંચ ચૂંટણી માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની રિકાઉન્ટિંગ પોતાના પરિસરમાં કરાવી. આ રિકાઉન્ટિંગના પરિણામે ચૂંટણીનું પરિણામ ઉલટાવી દીધું છે. અને મોહિત કુમારને નવા સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા. આ ચૂંટણી પરિણામો 2 નવેમ્બર 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. કુલદીપ સિંહને તેમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મોહિત કુમારે પરિણામોને પડકારતી એડિશનલ સિવિલ જજ (સિનિયર ડિવિઝન) કમ ઇલેક્શન ટ્રિબ્યુનલ પાણીપતમાં અરજી દાખલ કરી હતી.
22 એપ્રિલ 2025 ના રોજ, ટ્રિબ્યુનલે બૂથ નંબર 69 ની પુન: ગણતરીનો આદેશ આપ્યો હતો, જે 7 મે 2025 ના રોજ ડેપ્યુટી કમિશનર કમ ઇલેક્શન ઓફિસર દ્વારા કરવાનો હતો. 1 જુલાઈ 2025 ના રોજ, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ટ્રિબ્યુનલના આદેશને રદ કર્યો. આ પછી મોહિત કુમાર સીધા સુપ્રીમ કોર્ટ ગયા.
6 ઓગસ્ટના રોજ પુનઃગણતરી થઈ હતી, જેમાં કુલ 3,767 મતોની ગણતરી કરવામાં આવી હતી. મોહિત કુમારને 1051 મત અને કુલદીપ સિંહને 1000 મત મળ્યા હતા. બાકીના મત અન્ય ઉમેદવારોને ગયા હતા. ગણતરી સુપ્રીમ કોર્ટના OSD (રજિસ્ટ્રાર) કાવેરી દ્વારા કરવામાં આવી હતી અને રિપોર્ટ પર બંને પક્ષોના હસ્તાક્ષર પણ હતા.
11 ઓગસ્ટ, 2025ના રોજ, સુપ્રીમ કોર્ટે રિપોર્ટ સ્વીકાર્યો અને કહ્યું, “OSDના રિપોર્ટ પર શંકા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવ્યું હતું અને પ્રતિનિધિઓના હસ્તાક્ષરો દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું હતું.”
સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને ઉથલાવી દીધો અને ડેપ્યુટી કમિશનરને બે દિવસમાં મોહિત કુમારને ચૂંટાયેલા જાહેર કરતું જાહેરનામું બહાર પાડવાનો આદેશ આપ્યો. મોહિત કુમારને તાત્કાલિક પદ સંભાળવા અને ચાર્જ સંભાળવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટે સ્પષ્ટતા કરી કે જો કોઈ વિવાદ બાકી હોય, તો તેને ચૂંટણી ટ્રિબ્યુનલ સમક્ષ ઉઠાવી શકાય છે.


