Rajkot: માતા યશોદા બનીને ગુજરાતના બાળકોના વિકાસના કાર્યમાં જોડાવાની તક મેળવતી આંગણવાડી બહેનોને શુભેચ્છાઓ આપતા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી

તા.૪/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મેયર-જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યો સહિતના મહાનુભાવોના હસ્તે ૨૪ સહિત કુલ ૨૩૩૬ આંગણવાડી બહેનોને નિમણૂકપત્રો એનાયત
મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું- રાજ્યભરના ૪ ઝોનના ૯ હજારથી વધુ આંગણવાડી બહેનોને નિમણૂકપત્રો અપાયા
Rajkot: આંગણવાડી બહેનોને નિમણૂકપત્રો આપવાના રાજ્યવ્યાપી કાર્યક્રમની શૃંખલા અન્વયે રાજકોટ ખાતે યોજાયેલા ઝોન કક્ષાના કાર્યક્રમમાં ૨૩૩૬ આંગણવાડી બહેનોને અન્ન અને નાગરિક પુરવઠો તથા ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા આમંત્રિતોના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરાયા હતા.
નિમણુક મેળવનાર તમામ બહેનોને શુભકામનાઓ પાઠવતાં મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આજે નિમણુક મેળવનાર તમામ બહેનોએ માતા યશોદા બનીને ગુજરાતના બાળકોના વિકાસ માટેના સૌથી મહત્વના કાર્યમાં જોડાવાનું છે. આજે ૯ હજાર બહેનો આખા ગુજરાતમાં અને ૨૩૦૦ થી વધુ બહેનો સૌરાષ્ટ્ર ઝોનમાં સેવામાં જોડાઈ રહી છે, તે ખુબ જ આનંદની વાત છે. આ તમામ બહેનોની ભરતી પ્રક્રીયા તેમની લાયકાતને ધ્યાને રાખીને સંપૂર્ણ પારદર્શક રીતે ઓનલાઈન કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સમાજજીવનના મહત્વના કાર્યોમાં જોડાઈને બાળકને જીવનનો નવો વિચાર આપીને તેને કેળવવાનુ કાર્ય કરશે. દેશ અને ગુજરાત રાજયનું ઉજ્જ્વળ ભવિષ્ય બાળકો છે જે આવનારા સમયમાં દેશનું નેતૃત્વ કરવાના છે ત્યારે બાળકોમાં કુપોષણને દુર કરવાની જવાબદારી લઈને સુપોષિત બનાવવાનું ભગીરથ કાર્ય કરવાનું છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં આજથી જોડાનાર તમામ બહેનો માતા યશોદાનો દરજ્જો ઘરાવે છે. બાળકો માનો ખોળો છોડીને આંગણવાડી બહેનોના ખોળામાં જાય છે અને ત્યાંથી શિક્ષણની આંગળી પકડીને આગળ વધે છે, ત્યારે આ બાળકોને રાજ્યના વિકાસ પથ પર પ્રેરિત કરવાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવા શ્રી ભાનુબેને નવનિયુક્ત આંગણવાડી બહેનોને અનુરોધ કર્યો હતો.
કલેક્ટર શ્રી ઓમપ્રકાશે સ્વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમની રૂપરેખા આપતા આજે નિમણૂક પત્ર મેળવનાર આંગણવાડી બહેનોને શુભેચ્છાઓ આપી હતી.
રાજકોટ ઝોનના ૧૨ જિલ્લા તથા ૩ મહાનગરપાલિકાના કુલ ૨૩૩૬ આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનોને આજના કાર્યક્રમમાં આમંત્રિતોના હસ્તે નિમણૂકપત્રો અપાયા હતા.
આમંત્રિતોના હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મહાનુભાવોનું મિલેટસની ટોપલી વડે સ્વાગત કરાયું હતું.
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરાયું હતું, જ્યાં રાજ્યભરના અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટના ૪ ઝોનના ૯ હજારથી વધુ આંગણવાડી બહેનોને નિમણૂકપત્રો અપાયા હતા.
આ કાર્યક્રમમાં મેયર શ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય સર્વે શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી દર્શિતાબેન શાહ તથા શ્રી મહેન્દ્ર પાડલીયા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રી કંચનબેન બગડા, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રિયંક ગલચર, પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર, આઈ.સી.ડી.એસ.વિભાગના નાયબ નિયામક શ્રી પૂર્વી પંચાલ,પ્રોગ્રામ ઓફિસર શ્રી જનકસિંહ ગોહિલ, શ્રી શારદાબેન દેસાઈ, શ્રી દશરથભાઈ પંડ્યા, શ્રી ચેતન સોજીત્રા તથા મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી હતી.













