MORBI:મોરબીના રંગપર-પાવડીયાળીના વેપારી ભાઈઓને ઉઘરાણી મામલે ધમકી મળતા પોલીસ ફરિયાદ.

MORBI:મોરબીના રંગપર-પાવડીયાળીના વેપારી ભાઈઓને ઉઘરાણી મામલે ધમકી મળતા પોલીસ ફરિયાદ.
મોરબી: જિલ્લામાં અગાઉ અપહરણ અને મારઝૂડના કેસમાં સંડોવાયેલા શખ્સે ફરી પોતાનું પોત પ્રકાશ્યું છે. રંગપર અને પાવડીયાળી ગામે મોબાઈલની દુકાન ધરાવતા બે ભાઈઓને પૈસાની ઉઘરાણી મામલે ફોન પર જાનથી મારી નાખવાની અને ધંધો બંધ કરાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે.
મોરબીના સામાકાંઠે રવિનગર સોસાયટીમાં રહેતા અને રંગપરની સીમમાં ‘સચીયાર કોમ્યુનિકેશન’ નામની મોબાઈલની દુકાન ચલાવતા અમરતસિંહ ઉર્ફે ભુરજી સોઢા (ઉ.વ. ૨૫) એ બગથળા ગામના ભગીરથ રતિલાલ ઠોરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત ૧૩ માર્ચના રોજ આરોપીએ અજાણ્યા નંબર પરથી ફોન કરી પોતાની ઓળખ ‘ભગી’ તરીકે આપી હતી. તેણે અમરતસિંહને ધમકાવતા કહ્યું હતું કે, “પૈસાનું શું કર્યું? જો પૈસા નહીં આપો તો ધંધો બંધ કરાવી દઈશ.”ભાઈને પણ ધમકી: આટલું જ નહીં, આરોપીએ ફરિયાદીના ભાઈ સરદારસિંહને પણ ફોન કરી “જ્યારે બોલાવીએ ત્યારે હાજર રહેવું પડશે” કહી ધમકાવ્યા હતા.
આ અગાઉ ડિસેમ્બર ૨૦૨૫માં પણ આ જ આરોપીએ પૈસાની લેતીદેતી મામલે ફરિયાદી અમરતસિંહનું અપહરણ કરી ઢોર માર માર્યો હતો, જે અંગે અગાઉ પણ પોલીસ ગુનો નોંધાઈ ચુક્યો છે. જેલમાં ગયા બાદ અથવા જામીન પર છૂટ્યા પછી પણ આરોપીની દાદાગીરી ઓછી થઈ નથી અને ફરીથી ભાઈઓને નિશાન બનાવ્યા છે. હાલ મોરબી તાલુકા પોલીસે આ મામલે આરોપી ભગીરથ ઠોરીયા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.










