MORBI:મોરબીના પંચાસર રોડ પર રિક્ષાની ઠોકરે બાઈક સવાર પ્રૌઢનું કમકમાટીભર્યું મોત

MORBI:મોરબીના પંચાસર રોડ પર રિક્ષાની ઠોકરે બાઈક સવાર પ્રૌઢનું કમકમાટીભર્યું મોત
મોરબી: શહેરના પંચાસર રોડ પર પૂરઝડપે આવતી એક સીએનજી રિક્ષાએ બાઈકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર પ્રૌઢને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના બગથળા ગામે રહેતા સંજયભાઈ હિતેશભાઈ સીતપરા (ઉ.વ. ૨૦) અને તેમના પાડોશી મહેશભાઈ પ્રભુભાઈ સરડવા પોતાનું મોટરસાયકલ (નંબર GJ-36-CH-6657) લઈને બગથળાથી મોરબી આવી રહ્યા હતા.જ્યારે તેઓ પંચાસર રોડ પર આવેલ ધવલ પાન પાસે પહોંચ્યા, ત્યારે અચાનક એક સીએનજી રિક્ષાના ચાલકે (નંબર GJ-36-W-4683) પોતાની રિક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હતી. ડિવાઈડરના કટ પાસે રિક્ષાચાલકે અચાનક રિક્ષા વાળીને બાઈક સાથે જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે મહેશભાઈ પ્રભુભાઈ સરડવાને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે સંજયભાઈનો આબાદ બચાવ થયો હતો.આ બનાવ અંગે સંજયભાઈ સીતપરાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









