MORBI:મોરબી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારોને કાયમી આવાસ આપવા મુખ્યમંત્રીને રજૂઆત

MORBI:મોરબી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારોને કાયમી આવાસ આપવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી: મોરબી શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વર્ષોથી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તે જ જગ્યા પર ઘર રેગ્યુલરાઈઝ (નિયમિત) કરી આપવા માટે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબીમાં મચ્છુ નદીના કિનારે, વેજીટેબલ રોડ, ભીમસર, સાવજની પાળ, પંચાસર રોડ અને લીલાપર રોડ જેવા વિસ્તારોમાં સેંકડો પરિવારો છેલ્લા ૨૫-૩૦ વર્ષથી વસવાટ કરી રહ્યા છે. ગ્રાહક સુરક્ષા મંડળે રજૂઆત કરી છે કે આ પરિવારો જ્યાં રહે છે, તે જગ્યા જો સરકારના ઉપયોગમાં ન હોય તો તેને રેગ્યુલરાઈઝ કરી રહેવાસીઓને ‘સનદ’ (માલિકી હક) આપવી જોઈએ. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અગાઉ સુરતમાં પણ આ પ્રકારે ઝૂંપડપટ્ટીઓ રેગ્યુલરાઈઝ કરવામાં આવી છે, તે જ તર્જ પર મોરબીના ગરીબોને પણ ન્યાય મળવો જોઈએ.મંડળના જણાવ્યા અનુસાર, આ પરિવારો હાલ માનસિક ચિંતામાં જીવી રહ્યા છે કે ક્યારે તેમને બેઘર કરવામાં આવશે. જો તેમને તે જ જગ્યાએ પાકા મકાન બનાવવાની મંજૂરી અથવા સનદ આપવામાં આવે તો:
સરકારે નવા આવાસ યોજનાના મકાનો ઓછા બનાવવા પડશે.ગરીબ પરિવારોના બાળકો સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકશે.વર્ષોથી ચાલી આવતી આવાસની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.










